દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મચાવેલા ભયાનક કાળો કેર વચ્ચે વલસાડ શહેરની પરિસ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદને કારણે વલસાડની ઓરંગા નદી ગાંડીતૂર બનીને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. નદીના પૂરના ધસમસતા પાણી વલસાડ નગરમાં પ્રવેશતાં જ આખું શહેર પાણી-પાણી થઈ ગયું છે.

છીપવાડાના 300 થી વધુ ઘરો પાણીમાં ગરકાવ

વલસાડ શહેરના નીચાણવાળા અને ગીચ વસ્તી ધરાવતા છીપવાડા વિસ્તારમાં ઓરંગા નદીના પૂરના પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. જોતજોતામાં પૂરના પાણી એટલી ઝડપથી વધ્યા કે છીપવાડાના 300 થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘરોમાં ૩ થી ૬ ફૂટ સુધીના પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો પોતાના પરિવાર અને નાના બાળકો સાથે ઘરના ઉપલા માળે કે ધાબા પર આશરો લેવા મજબૂર બન્યા હતા.

જીવના જોખમે ગર્ભવતી મહિલાનું બોટથી રેસ્ક્યૂ

આ પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે છીપવાડા વિસ્તારમાં એક અત્યંત સંવેદનશીલ અને કટોકટીભરી ઘટના સામે આવી હતી. છીપવાડાના એક મકાનમાં 8 મહિનાના સગર્ભા મહિલા પોતાના પરિવાર સાથે પૂરના ઊંડા પાણીમાં ફસાઈ ગયા હતા. ઘરની અંદર કમરબૂડ પાણી ભરાઈ જતાં મહિલાની તબિયત અને સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થયો હતો.

ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા

ઘટનાની જાણ થતાં જ વલસાડ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો રેસ્ક્યૂ બોટ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પૂરના ધસમસતા વહેણ વચ્ચે ફાયરના જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક બોટ ઘરના દરવાજે પહોંચાડી હતી. ફાયર ટીમે સગર્ભા મહિલા અને તેમના પરિવારને સુરક્ષિત રીતે બોટમાં બેસાડીને પૂરના પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

 સ્થાનિક રહીશોએ ફાયર ટીમનો આભાર માન્યો

રેસ્ક્યૂ કર્યા બાદ તરત જ બહાર સ્ટેન્ડબાય રાખવામાં આવેલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સગર્ભા મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાલિકાના ફાયર જવાનોની આ સમયસૂચકતા અને જાનબાઝ કામગીરીને કારણે મોટો અનર્થ ટળ્યો હતો અને સ્થાનિક રહીશોએ ફાયર ટીમનો આભાર માન્યો હતો. હાલમાં વલસાડ નગરપાલિકા, જિલ્લા પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા છીપવાડા તેમજ અન્ય જળમગ્ન વિસ્તારોમાં ફસાયેલા લોકોને બોટ અને ટ્રેક્ટર મારફતે સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવાની કામગીરી નિરંતર ચાલુ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad Rain: વેજલપુરમાં શાળાના બાળકોનું રેસ્ક્યૂ, બોપલ અને શેલામાં ઘરોમાં પાણી ઘૂસી ગયા