મોરબીમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. હળવદમાં વ્યાજખોરોની ગુંડાગીરી જોવા મળી. એક શખ્સને કિડનીની સારવાર માટે વ્યાજે પૈસા આપ્યા હતા. વ્યાજે આપેલા પૈસાની વસૂલાત કરવા વ્યાજખોરોએ આ શખ્સનું મકાન પચાવી પાડયું. વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરતા આ શખ્સ માટે મોટી મુશ્કેલી ઉભી થઈ. વ્યાજખોરો દ્વારા પૈસાની વસૂલાત માટે સતત હેરાનગતિ કરવામાં આવતા આખરે આ શખ્સે પોલીસની મદદ લીધી. વ્યાજખોરો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
કિડનીની સારવાર માટે લીધા વ્યાજે પૈસા
ફરિયાદને પગલે સમગ્ર મામલે પોલીસે તપાસ કરી. તપાસમાં સામે આવ્યું કે રાજેશભાઈ નામના ફરિયાદીએ પોતાના ભાઈની સારવાર કરાવા વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા. રાજેશભાઈના મોટાભાઈની કિડની સંબંધિત દુર્લભ બીમારીના શિકાર થયા હતા. તેમાં સારવારનો ખર્ચ વધુ થાય છે. અને આવી બીમારીમાં સારવાર માટે રાજેશભાઈએ બે વર્ષ પહેલા વ્યાજખોરો પાસેથી 10-30 ટકા ઊંચા વ્યાજે પૈસા લીધા હતા. જેના બાદ તેમણે સમયાંતરે વ્યાજે લીધેલ પૈસાનું ચૂકવણું પણ કર્યું. 70 હજારના ઊંચા વ્યાજ સામે લાખો રૂપિયા આપ્યા છતાં પણ વ્યાજખોરો પઢાણી ઉઘરાણી કરી.
વ્યાજખોરોએ પૈસા વસૂલવા કરી ગુંડાગીરી
વ્યાજખોરો પૈસા લેવા ફરિયાદના મકાન, ત્રણ મોટર સાયકલ સહિતની વસ્તુઓ પડાવી લીધી. જેને લઈને રાજેશભાઈએ ચાર વ્યાજખોરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. રાજેશભાઈની ફરિયાદને પગલે હળવદ પોલીસે 3 વ્યાજખોરો પ્રભુભાઈ જહાભાઈ રબારી, હરદીપ ઉર્ફે મુન્નાભાઈ સવાભાઈ લાવડીયા , જયદેવ મનહરદાન ગઢવીની અટકાયત કરી. જ્યારે 1 શખ્સ ભરત રાણાભાઇ રબારી હજુ પણ ફરાર છે. પોલીસે ફરાર વ્યાજખોરને શોધવા ચક્રો ગતિમાન કર્યા. નોંધનીય છે કે પ્રભુભાઈ રબારી ઉપર અગાઉ 2011માં તેમજ 2023માં મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુન્હા નોંધાઈ ચૂક્યા છે અને ભરત રાણાભાઇ રબારી ઉપર પણ 2023 માં વ્યાજ વટાવની પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ ઇસમો ઊંચા વ્યાજે પૈસા આપી ધાક ધમકી આપતા હોવાની ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી.









