આજના ઇર્ન્ફ્મેશન ટેક્નોલોજીના આધુનિક યુગમાં ઉત્પાદકો ઉપભોક્તાઓની જરૂરત મુજબ મોબાઈલ, ટીવી, ફ્રીઝ, એસી, વાહનોથી લઈ તમામ જીવનજરૂરી ચીજોમાં આધુનિકતા ઉમેરી રહ્યા છે.
જો ટ્રેન્ડ મુજબ સમય સાથે તાલ મિલાવી આધુનિક ટેક્નોલોજી ન અપનાવવામાં આવે તો આવા ઉત્પાદકો, ફેક્ટરીઓનો મૃત્યુ ઘંટ અવશ્ય વાગી જતો હોય છે. વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ક્લસ્ટરમાં પણ આવો જ સિનારિયો જોવા મળ્યો છે. છેલ્લા દોઢ દાયકા એટલે કે, 15 વર્ષમાં મોરબીના 390 જેટલા સિરામિક એકમોને તાળા લાગી ચુક્યા છે. મોરબીમાં બંધ થયેલી આ તમામ ફેકટરીઓ જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરતી હતી. નવા જમાના સાથે તાલ ન મિલાવી શકતા વોલટાઈલ્સ, સેરા ડેકોર, ફ્લોર ટાઇલ્સ, વિટ્રિફઇડ અને સેનેટરીવેર્સ ફેક્ટરીઓના દરવાજા કાયમ માટે બંધ થયા છે.
એક સમય હતો કે, જયારે દરેક ઘરના બાથરૂમ અને રસોડામાં અવનવી નાની સાઈઝની ગ્લેઝ ટાઇલ્સ લગાવવામાં આવતી હતી, જેની સામે હવે કિચન અને બાથમાં મોટી ટાઇલ્સ લગાવવાનો ટ્રેન્ડ શરૂ થતા નાની સાઈઝની ટાઇલ્સ બનાવતી ફેક્ટરીઓનો ધ એન્ડ આવી ગયો. 15 વર્ષમાં 188થી વધુ આવી ફેકટરીઓ કાયમી બંધ થઇ. આવું જ કંઈક સેરા ડેકોર યુનિટો સાથે થયું. ટાઈલ્સમાં ડિઝાઇન ઉપસાવવાની આધુનિક ટેક્નોલોજી આવતા થર્ડ ફાયર એકમો શરૂ થયા હતા જેમાં ટાઇલ્સ બન્યા બાદ ડિઝાઇન બનાવી ભઠ્ઠીમાં પકાવી નવીનતમ સેરા ડેકોર યુનિટો આવી આધુનિક ટાઇલ્સ બનાવતા હતા. જો કે, સમય જતા થર્ડ ફયરિંગ સામે ડિજિટલ મશીનો આવતા ટાઇલ્સ નિર્માણમાં ક્રાંતિ આવી અને થર્ડ ફાયરિંગના બદલે સીધી જ ટાઇલ્સ વૈવિધ્યસભર ડિઝાઇન સાથેનું ઉત્પાદન થવા લાગતા છેલ્લા દોઢ દાયકામાં સેરા ડેકોરના 86 નાના મોટા એકમો બંધ થઇ ગયા.
મોરબીના અગ્રણી ટાઇલ્સ મેન્યુફેક્ચરર નિલેશ પટેલ જણાવે છે કે, તમામ ક્ષેત્રમાં આધુનિકતા સાથે તાલ મિલાવવો પડે છે. જો તમે આધુનિકતા અને આધુનિક ટ્રેન્ડ સાથે ટ્રેડ ન કરી શકો તો માર્કેટમાં ટકી શકતા નથી. મોરબીમાં મોટાભાગના એકમો આધુનિક ટેક્નોલોજી સાથે તાલ ન મિલાવી શકવાની સાથે આવા ઉત્પાદન હવે આઉટ ઓફ્ ડેટ થતા જ આટલા મોટા પ્રમાણમાં ઉદ્યોગો બંધ થયા છે.
સેનેટરીવેર્સમાં ઓરિસ્સા પાન -યુરોપિયન ગયા, વોલંગ અને વન પીસનો ટ્રેન્ડ
આજના આધુનિક યુગમાં ટાઈલ્સની જેમ જ સેનેટરીવેર્સ પ્રોડક્ટમાં પણ બદલાવ આવ્યો છે, અગાઉ ઓરિસ્સા પાન અને યુરોપિયન ટોઇલેટના ઉત્પાદન થતા હતા જેની સામે વૈશ્વિક માર્કેટમાં ટકી રહેવા મોરબી-થાનના ઉત્પાદકોએ આજે વોલંગ અને વનપીસ પ્રોડક્ટ બનાવવાનું શરૂ કરી દીધું છે. જો કે, સિરામિક ટાઈલ્સના કારખાનાની તુલનાએ સેનેટરીવેર્સમાં આધુનિકતા અપનાવવા અપગ્રેડીંગ થવા ખર્ચ ઓછો થતો હોવાને કારણે જુના ખેલાડીઓ આસાનીથી નવી ટેક્નોલોજી અપનાવી ટ્રેન્ડ પ્રમાણે ઉત્પાદન કરતા થયા હોવાથી પાછલા દોઢ દાયકામાં સેનેટરીવેર્સ ઉત્પાદકોમાં ઘટાડાને બદલે ઉમેરો થયો છે.