મોરબીના જેતપુરમાં ચાલી રહેલા ખેડૂતોના ઉપવાસ આંદોલનમાં એક સનસનાટીપૂર્ણ નવો વળાંક આવ્યો છે. આંદોલનના મુખ્ય આગેવાન નિલેશ એરવાડિયા અને હકાભા ગઢવી વચ્ચેનો એક કથિત ઓડિયો વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ વાયરલ ઓડિયોમાં આંદોલનને સમેટવા માટે 2૨ કરોડનો કથિત સોદો થયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. લાખો ખેડૂતોનો વિશ્વાસ અકબંધ રાખવા અને આંદોલનને આ આંચકામાંથી બચાવવા માટે ખેડૂત આંદોલન સમિતિએ મીડિયા સમક્ષ આવીને મોટો નિર્ણય જાહેર કર્યો છે. સમિતિ દ્વારા નિલેશ એરવાડિયાને તાત્કાલિક અસરથી આંદોલન છાવણીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે.
ઓડિયો ક્લિપમાં મારો અવાજ નથી
આ કથિત ઓડિયો વાયરલ થયા બાદ નિલેશ એરવાડિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, આ વાયરલ ઓડિયો ક્લિપમાં મારો અવાજ નથી, હું કોઈ પણ પ્રકારની FSL તપાસ માટે તૈયાર છું." એરવાડિયાએ આક્ષેપ કર્યો છે કે આ આંદોલનને તોડવા માટે સરકાર દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે.
