મોરબી-રાજકોટ વચ્ચે 64 કિલોમીટરનો ફોરલેન હાઇવે બનાવવા માટે સરકારે રૂ.273 કરોડના ખર્ચે કરી વર્ષ 2020માં શરૂ કરાવ્યા બાદ વર્ષ 2025 હવે પૂર્ણ થવામાં છે.


જો કે, હજુ સુધી સીરામીક નગરીને જોડતા મહત્વના આ રોડ પૂર્ણ થયાનું સર્ટિફ્કિેટ ઈશ્યુ કરવામાં આવ્યું ન હોવા છતાં રોડ ઉપર હાલમાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. નબળી ગુણવતાના રોડ અંગે નાગરિકો, કોંગ્રેસ અને છેલ્લે ખુદ સતાધારી ભાજપ પક્ષના ધારાસભ્યે ગાંધીનગર સુધી ફરિયાદ કરતા હવે નવા નકોર કહી શકાય તેવા ઉદઘાટન ન થયેલ રાજકોટ-મોરબી રોડનું રિસરફેસિંગ કરવા નિર્ણય લેવાયો છે.

સીરામીક નગરી મોરબીથી રાજકોટને જોડતો સ્ટેટ હાઇવે ફોરલેન બનાવવા માટે વર્ષ 2020માં કચ્છની એમકેસી નામની એજન્સીને રૂપિયા 273 કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. રાજકોટ-મોરબી રોડનું કામ પાંચ વર્ષ બાદ પણ સંપૂર્ણ પૂર્ણ ન થયું હોય એપ્રિલ-2025માં રોડ પૂર્ણ થયાનું પ્રોવિઝનલ કંપ્લીશન સર્ટિફ્કિેટ આપવામાં આવ્યું છે. બીજી તરફ્ પાંચ વર્ષમાં રોડનું કામ પૂર્ણ નથી થયું ત્યાં જ આ રોડ ઉપર અનેક વખત પેચ વર્ક કરી ગાબડા બુરવામાં આવતા હાલમાં આ રોડ ઉપર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે અને ખાડાને કારણે હાલમાં અકસ્માતનું પ્રમાણ વધવાની સાથે લોકોના વાહનોમાં વિનાકારણે નુકસાની સહન કરવી પડી રહી છે.

રોડ રિસરફેશ થયા બાદ જ પેમેન્ટ ચુકવવામાં આવશે

રાજકોટ માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ મોરબી રોડ એપ્રિલ-2025માં પૂર્ણ થયો હોય હજુ સુધી કંપ્લીશન આપવામાં આવ્યું નથી. રોડ પર ગાબડા પડવા અંગે અગાઉ કોન્ટ્રાકટર એમકેસી પેઢીને બબ્બે નોટિસ આપી હોવાનું અને તાજેતરમાં વધુ એક નોટિસ આપી રોડને સંપૂર્ણ રિસફ્રેશ કરવા આદેશ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. હજુ સુધી ઇએમડી જમા હોવાનું અને રોડના ખર્ચનું પૂર્ણ પેમેન્ટ કરાયું નથી.


  • Follow us on: