યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં કેદ મોરબીના યુવાન સાથે તેના માતાને બે મહિના બાદ ગઈકાલે વિડીયો કોલના માધ્યમથી વાતચીત થઈ હતી. જેમાં માતા-પુત્રએ બન્નેએ એકબીજાના ખબર અંતર પૂછતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત હવે યુવાન ૨૦૨૭માં ભારત પરત આવે તેવી શક્યતાઓ પ્રબળ બનતા તેના માતાએ વાતચીત વ્યક્ત કર્યો હતો.
સાહિલે તેના પરિવારના સભ્યોના ખબર-અંતર પૂછ્યા
મોરબીના સાહિલ માજોઠી નામના યુવાનની માતા હસીનાબેને આપેલી માહિતી અનુસાર,સાહિલ વર્ષ 2024માં રશિયામાં અભ્યાસ માટે ગયો હતો.ત્યાં કુરિયર સર્વિસમાં પાર્ટ ટાઇમ કામ કરતા ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ બોર્ડર પર મોકલાયો હતો.જ્યાં તેને આત્મસમર્પણ કરી દેતા ઓક્ટોબર 2025થી તે યુક્રેનમાં યુદ્ધ કેદી તરીકે કેદ છે.દિલ્હી હાઇકોર્ટના એડવોકેટ દીપા જોસેફ બીજી વખત યુક્રેન ગયા હતા અને તેમની મદદથી બે મહિના બાદ સાહિલે તેની માતા સાથે વોટ્સએપ કોલ દ્વારા વાતચીત કરી હતી.વીડિયો કોલ દરમિયાન સાહિલે તેના પરિવારના સભ્યોના ખબર-અંતર પૂછ્યા હતા અને પોતાની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું.
