નડિયાદ મહાનગરપાલિકા, સુવિધા નહી તો ટેક્ષ નહી"ના પ્લે કાર્ડ સાથે કોંગ્રેસ દ્રારા આજરોજ નડિયાદ મહાનગરપાલિકા ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું. આજરોજ કોંગ્રેસ જિલ્લા શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત કાર્યકર્તાઓ દ્વારા નડિયાદ મહાનગરપાલિકામાં વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું. ખાસ કરીને ખરાબ રોડ રસ્તા, રખડતા પશુઓનો ત્રાસ ગંદકી, કાંસ, ખાડાઓ, અને સ્ટ્રીટ લાઈટની સમસ્યાના નિવારણ બાબતે વિરોધ પ્રદર્શન કરી નડિયાદ મહાનગરપાલિકા કમિશનર જી.એચ.સોલંકીને રજૂઆત કરવામાં આવી.
રોડ, રસ્તા અને ગંદકી મામલે કોંગ્રેસનો વિરોધ
સમગ્ર મામલે કોંગ્રેસ નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું કે નડિયાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખુલ્લેઆમ ગંદકીના ઢગલા, ગંદા કાંસા અને માર્ગોની દયનીય હાલત એનો જીવતો પુરાવો છે. શહેરમાં મોટા ભાગના માર્ગો નબળી ગુણવત્તાવાળા અને નબળી સામગ્રીથી બનેલા હોવાથી નાગરિકોના પૈસા રસ્તામાં ખાબકાઈ રહ્યા છે. માર્ગો પર ચાર-છ મહિનામાં જ ખાડી પડી જાય છે, છતાં ફરીથી નગરપાલિકાના ભંડોળમાંથી તેનું મરામત ખર્ચ કરવામાં આવે છે, ગેરંટી પિરિયડ હોવા છતાં કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવતા નથી. અનેકવાર લેખિત રજૂઆતો છતાં અધિકારીઓ પાસેથી માત્ર ખાલી આશ્વાસનો મળે છે, કામ કાગળ પૂરતું રહી જાય છે...
પશુઓનો પ્રશ્ન વર્ષોથી યથાવત
રખડતાં પશુઓનો પ્રશ્ન વર્ષોથી યથાવત છે, પરંતુ નડિયાદ મહાનગરપાલિકાનું તંત્ર આ પ્રશ્ને પણ માત્ર દેખાડાપૂરતી કામગીરીથી નાગરિકોની સલામતી સાથે ખેલ કરી રહ્યું છે. 104% વરસાદની આગોતરી ચેતવણી છતાં પ્રિ-મોનસૂન કામગીરી સમયસર હાથ ધરાયેલી નથી, અને જે કામગીરી બતાવવામાં આવી છે તે પણ માત્ર કાગળ પર છે. પરિણામે વર્ષો જૂની મુશ્કેલી વરસાદી પાણી ભરાવા અને રસ્તાઓ નાશ થવા ફરી ફરી ચક્રવ્યૂહ બની રહી છે. આ ઉપરાંત, જે એજન્સીઓ ભ્રષ્ટાચારના કિસ્સામાં સપડાયેલી હોવા છતાં, તેને બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ ફરી કામ આપવું એ સ્પષ્ટ દર્શાવે છે કે નડિયાદ મહાનગરપાલિકા એ ભ્રષ્ટ તંત્ર ચલાવતી સરકારી દુકાન બની છે.
કોંગ્રેસ દ્વારા 4 મુખ્ય મુદ્દાઓને લઈ સ્પષ્ટ માંગ કરવામા આવી છે
- મહાનગરપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં થયેલ વિકાસકાર્ય, સ્વચ્છતા અને રોડ રસ્તાના કામોની ઉચ્ચ સ્તરીય તપાસ રાજ્ય અથવા કેન્દ્ર સ્તરે પ્રાથમિકતા આધારથી કરવા ઓર્ડર કરવામાં આવે.
- જવાબદાર અધિકારીઓ, સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસર કાર્યવાહી શરૂ કરવી.
- શહેરમાં ગંદકી, કાંસ, ખાડાઓ, રખડતાં પશુઓ અને સ્ટ્રીટ લાઈટ જેવી દરેક ગંભીર સમસ્યાનું તાત્કાલિક સ્થાયી સમાધાન કરવા સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવી.
- તમામ કામગીરીમાં નાગરિકો અને સ્થાનિક પ્રતિનિધિઓને સતત માહિતી આપવામાં આવે, જેથી ભવિષ્યમાં ફરી આવી ભ્રષ્ટ વ્યવસ્થા ઊભી ન થાય.
મહાનગરપાલિકા કમિશનરનું નિવેદન
આ સમગ્ર મામલે નડિઆદ મહાનગરપાલિકા કમિશનર દ્વારા નિવેદન આપતા કહેવામા આવ્યુ છે કે કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીને અનુલક્ષીને મહાનગરપાલિકા સંબંધી રજૂઆતો સમયાંતરે થતી રહે છે.. હાલમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં નડિયાદ શહેરમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા દિવસોમાં કાંસ અને કેચપીઠની જે સફાઈ કરવામાં આવી તેના કારણે આ 17 ઇંચ વરસાદમાં પણ કોઈપણ જગ્યાએ 24 કલાકમાં પાણી ઉતર્યા ન હોય તેવું નથી બન્યું..
સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી
પાણી ઉતર્યા બાદ પણ તાત્કાલિક સફાઈ કરાવીને શ્રેયસ ગરનાળા જેવી જગ્યાઓ માંથી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો છે. સ્પેશિયલ સફાઈની ટીમો બનાવવામાં આવી છે તે જે પણ જગ્યાએ જરૂર પડે ત્યાં કાર્યરત કરવામાં આવે છે. વરસાદને કારણે મોટરોમાં રેતી આવવાને કારણે જે મોટરો બગડી હોય તેને તાત્કાલિક રિપ્લેસ કરીને પીવાનું પાણી પહોંચાડવાની તાત્કાલિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
તાત્કાલિક ધોરણે કામગીરી કરાશે
ખરાબ રોડ રસ્તા અંગે જણાવતા કહ્યું કે અમે વેઈટ મિક્સ અને કોલ્ડ મિક્સનો ઓર્ડર આપી દીધો છે. અને અમારી પાસે તમામ ટીમો તૈયાર છે. બે ત્રણ દિવસનો ઉઘાડ નીકળતા જ રોડ રસ્તાની સમારકામની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવશે.. જે પણ રોડ જર્જરિત હાલતમાં થઈ ગયા છે તેનો સર્વે કરી દેવામાં આવ્યો છે. જે ચોમાસાની સિઝન બાદ એટલે કે સપ્ટેમ્બર બાદ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક નવા રોડ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે...










