નડિયાદના ધારાસભ્ય અને અગ્રણી નેતા પંકજ દેસાઈ સરકારી કામોની ગુણવત્તા જાળવવાના મુદ્દે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. મરીડા ખાતે યોજાયેલા રોડ નિર્માણના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેરસભામાં જ રોડ અને બિલ્ડિંગ (R&B) વિભાગના અધિકારીને કડક ચીમકી આપી હતી. મરીડા રોડનું નવેસરથી નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ખાતમુહૂર્ત માટે ધારાસભ્ય પંકજ દેસાઈ પહોંચ્યા હતા.
ખરાબ રોડ રસ્તાને લઈ MLA પંકજ દેસાઈની ચીમકી
ચાલુ સભા દરમિયાન જ તેમણે ખેડા જિલ્લા પંચાયત R&Bના સેક્શન ઓફિસર (S.O.) ને સ્ટેજ પર બોલાવ્યા હતા અને તેમની જવાબદારી સમજાવી હતી. MLA પંકજ દેસાઈએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે, "જો હવે આ રોડ તૂટ્યો, તો તમારે સસ્પેન્ડ થવું જ પડશે! પહેલા અનેકવાર રોડ તૂટી ગયો છે, તેની ખાસ કાળજી રાખવી પડશે. ધારાસભ્યએ રોડના કામની ગુણવત્તા (ક્વોલિટી) જાળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
નડિયાદમાં ચાલુ સભામાં R&Bના એન્જિનિયરને ચીમકી
તેમણે ઇજનેરને સૂચના આપી હતી કે,રોડના સેમ્પલો નિયમિત રીતે લેવામાં આવે.રોડના કામમાં ગુણવત્તા જળવાય છે કે નહીં, તેની સતત કાળજી રાખવી. કોઈપણ ભોગે નબળી ગુણવત્તાનું કામ સ્વીકારવામાં આવશે નહીં. ધારાસભ્ય પંકજ દેસાઈનો આ આક્રમક અંદાજ દર્શાવે છે કે તેઓ સરકારી યોજનાઓ અને નિર્માણ કાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ભ્રષ્ટાચાર સહન કરવા તૈયાર નથી, અને અધિકારીઓને તેમની જવાબદારીનું ભાન કરાવ્યું હતું.