મહુધા કઠલાલ રોડ પર આવેલ વડથલ રેલવે ફાટક પાસે શનિવારની સાંજે એક અકસ્માતનો બનાવ બન્યો હતો. એક યુવાનને સામેથી આવતા ટ્રેલરે ટકકર મારતાં યુવાનનું માથુ ટ્રેલરના વ્હીલ નીચે આવી ગયું હતું. યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેનું કમકમાટીભર્યું મોત નિપજયું હતું.
મુળ વલેટવાના હાલ નડિયાદ બિલોદરા આસ્થા બંગ્લોઝમાં રહેતા મેહુલભાઈ પુરાનીએ આ મામલે ફરિયાદ આપી હતી. ગત તા.28મી જુન 2025ના રોજ સાંજના તેમની ફોઈની દિકરીએ કોલ કર્યો હતો. અને કેતન હસમુખભાઈ શ્રીમાળીને મહુધા વડથલ ફાટક ઉપર એક્સિડન્ટ થયેલ હોવાની જાણ કરી હતી. જેથી મેહુલભાઈ તેમના મિત્ર સાથે તાબડતોબ મહુધા સરકારી દવાખાને પહોંચ્યા હતા. જ્યાં કેતનનું માથામાં ગંભીર ઈજાઓના કારણે મોત નિપજયાનું ડૉકટરે જણાવ્યું હતું. હાજર ઉમેશભાઈ તથા અન્ય લોકોએ જણાવ્યું હતું કે સાંજના સાડા છ એક વાગ્યાના સુમારે વડથલ રેલવે ફાટક વચ્ચે નડિયાદ તરફથી આવતા રાજસ્થાન પાર્સિંગના એક ટ્રેલરે તેમના ભાઈ કેતનની બાઈકને સામેથી ટકકર મારી હતી. જેના કારણે કેતન રોડ પર પડી જતા તેનું માથુ ટ્રેલરના વ્હીલમાં આવી જવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેનું મોત નિપજ્યું હતું. આ મામલે મહુધા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










