અમદાવાદ - ઈન્દોર હાઈવે પર વધુ એક અકસ્માતથી એક વૃદ્ધનું મોત નિપજયું છે. કઠલાલના સરાલી રોડ પરથી દૂધ લઈને રોડ ક્રોસ કરી રહેલ એક વૃદ્ધને એક એસટી બસે ટકકર મારી હતી. જેના કારણે વૃદ્ધને શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાથી સ્થળ પર જ તેમનું કમકમાટીભર્યું મોત નિપજયું હતું. આ મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
કઠલાલ તાલુકાના સરાલી તાબે દારાજીના મુવાડામાં રહેતા ભલાભાઈ બુધાભાઈ ઝાલા ગઈકાલે તા.22 નવેમ્બર 2025ના રોજ સાંજના સુમારે અમદાવાદ - ઈન્દોર હાઈવે પર આવેલ પાનના ગલ્લે ઉભા હતા.
દરમિયાન તેમના ફોઈના દિકરા કાભઈ ઉર્ફે કાળાભાઈ શકરાભાઈ ઝાલા (ઉં.વ.65) દૂધ લઈને રોડ ક્રોસ કરી તેમના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલ એક એસટીએ તેમને ટકકર મારી હતી. જેના કારણે કાભઈભાઈને માથાના, પગના અને ખભાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચવા પામી હતી. બનાવને પગલે ભલાભાઈ તથા સ્થાનિકો અકસ્માત સ્થળે દોડી ગયા હતા.જ્યાં જઈને કાભઈભાઈને જોતાં તેઓ ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ પામી ચૂક્યા હતા. ભલાભાઈ તેમના ભાઈની લાશને કઠલાલ સરકારી દવાખાને પી.એમ.માટે મોકલી આપ્યા હતા. અને અમદાવાદથી ફતેપુરા જઈ રહેલ બસના ચાલક વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.