ભગવાન સ્વામિનારાયણે સંવત 1882માં વડતાલ મંદિરમાં શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપન કર્યું હતું. જેને 200 વર્ષ થયા નિમિતે આજે ગુરૂવારથી વડતાલ સ્વામિનારાયણ મંદિરના હરિમંડપ પાછળ વિશાળ મંડપમાં ભવ્યાતિભવ્ય શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપન દ્વિ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે. આ મહોત્સવ અંતર્ગત સવારે શિક્ષાપત્રી ભાષ્ય કથા અને સાંજે આચાર્યોદય વિશેની કથા યોજાશે. આ કથાની પોથીયાત્રા ગુરૂવારે સાંજે 4 કલાકે નિકળશે. જેમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ , બંને વકતા, સંતો , યજમાનો સહિત મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહેશે. અને સાંજે 6 કલાકે મહોત્સવનું ઉદધાટન થશે. આ મહોત્સવમાં બે લાખ ઉપરાંત હરિભકતો લાભ લેશે.


વડતાલના મંદિરમાં દ્વિ શતાબ્દી મહોત્સવ પૂર્વ મંદિરના શુકદેવસ્વામી અને બાલમુકુંદ સ્વામી અને શ્યામ સ્વામીએ જણાવ્યું હતું કે, યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપનના 200 વર્ષ થયા નિમિતે ગુરૂવારથી દ્વિ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. કમોસમી વરસાદ કારણે મહોત્સવનું સ્થળ બદલવવામાં આવ્યું છે. મહોત્સવનું સ્થળ ગોમતીના કાંઠે બદલે મંદિરના હરિમંડપ પાછળ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે 48 કલાકમાં તૈયાર કરવામાં આવેલ વિશાળ મંડળમાં દ્વિ શતાબ્દી મહોત્સવનું ગુરૂવારે સાંજે 6 કલાકે ઉદઘાટન થશે. આ મહોત્સવના ઉદઘાટન પૂર્વે સાંજે 4 કલાકે પોથીયાત્રા નિકળશે. ઉપરોકત સંતોએ વધુમાં જણાવ્યું હતું કે 200 વર્ષ પહેલા સંવત 1882માં ભગવાન સ્વામિનારાયણે સર્વ જીવહિતાર્થે શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું.આ શિક્ષાપત્રીના 212 શ્લોકના નિયમોનું પાલન કરનાર ભકતો આ લોક પર લોકમાં સુખિયા થશે. જયારે આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે વડતાલ અને અમદાવાદ ગાદીના આચાર્યપદની સ્થાપના કરી હતી. શિક્ષાપત્રી મહાન ગ્રંથ અને આચાર્યપદ સ્થાપનના 200 વર્ષ પૂર્ણ થતાં હોવાથી વડતાલ મંદિરના ચેરમેન સંતવલ્લભદાસજી સ્વામી અને મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી સહિત વડતાલ ગાદીના સંતો , હરિભકતોના સહિયારા પ્રયાસથી આ દ્વિ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.


  • Follow us on: