ઠાસરા પંથકમાં એક પરિણીતાની છેડતીનો મામલો સામે આવ્યો છે. પરિણીતાનો કૌટુંબિક દિયર અવારનવાર પરિણીતાને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. પરિણીતાએ ના પાડવા છતાં તેના પતિની હાજરીમાં તને તો હું મારી કરીને જ રહીશ કહી ડબલ મીનીંગમાં વાત કરી હેરાન કરતો હોઈ આખરે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.


ઠાસરા તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાનો કૌટુંબિક દિયર બિપીન વિનોદભાઈ તેના ઘરની સામે જ રહે છે. અઠવાડિયા અગાઉ પરિણીતાના પતિ કામ પર ગયા હોઈ, કૌટુંબિક દિયર ઘરે ધસી આવ્યો હતો અને તુ મને બહુ ગમે છે, મારી સાથે સંબંધ રાખ, કોઈપણ ભોગ હું તને મારી કરીને જ રહીશ કહેતા પરિણીતાને પતિને કહી દેવાની ધમકી આપતા જતો રહ્યો હતો. જે બાદ અવારનવાર બિભત્સ ઈશારા કરી, પીછો કરી, ડબલ મીનીંગમાં વાતચીત કરીને હેરાન કરતો હતો. પરિણીતાના પતિએ ઠપકો કરતાં તારી પત્નિ મને બહુ ગમે છે, તેને તો હું મારી કરીને જ રહીશ કહી છેડતી કરતાં પરિણીતાએ પિયરપક્ષને જાણ કરી હતી. જેથી પરિણીતા, તેના પતિ, પિયરપક્ષ કાકા સસરા મહેશ શાંતિભાઈને બિપીનને સમજાવવાનું કહેતા ઉશ્કેરાઈ ગયા હતા. અને તારી સાથે સંબંધ જ રાખવા માટે પુછયું છે ને, બીજું કાંઈ તો નથી કર્યું ને કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી આખરે પરિણીતાએ છેડતી કરનાર કૌટુંબિક દિયર અને કાકા સસરા વિરુદ્ધ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: