સાત વર્ષના લગ્નજીવન દરમિયાન બે દિકરીઓના જન્મ થયા બાદ હવે સાસરીયાઓ દિકરો જોઈએ છે કહીને પરિણીતા પર શારિરીક અને માનસિક ત્રાસ ગુજારી રહ્યા હોય, માનસિક રીતે ત્રસ્ત થઈ ગયેલ પરિણીતાએ પંચમહાલના નદીસરના સાસરીયા વિરુદ્ધ સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ગળતેશ્વર તાલુકાના ડભાલીમાં રહેતી પરિણીતાના લગ્ન 2018માં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામે રહેતા જીગ્નેશ રંગીતભાઈ ભોઈ સાથે થયા હતા. લગ્નજીવનથી એક સાત વર્ષની દિકરી અને બીજી 4 વર્ષની દિકરી છે. જો કે 2023થી પતિ, સાસુ, સસરાએ ઘરના નાના મોટા કામકાજ બાબતે વાંધા વચકા કાઢીને મહેણા ટોણા મારવાનું શરુ કર્યું હતું. 2024માં નણંદ નણદોઈ રહેવા આવ્યા હોઈ તેમણે પણ ઝઘડો કરતાં છેલ્લા ચારેક માસથી પરિણીતા પિયર રહેવા આવી ગયા હતા. ગત તા.21 ઓકટોબર 2025ના રોજ ભાઈ તથા ભાભી સાસરીયાઓને સમજાવી પરિણીતાને સાસરીમાં પરત મુકવા માટે ગયા હતા. પણ સાસરીયાઓએ અમારે તને રાખવી નથી, તું અહીંથી જતી રહે, તારે દિકરા થતા નથી, અમારે બીજી પત્નિ લાવવાની છે, તને ઘરના કોઈ કામ આવડતા નથી કહીને પરિણીતા તથા તેમના ભાઈ ભાભીને મારવા સામા થઈ ગયા હતા. જેથી પરિણીતાએ 112 પર ફોન કરતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને સમગ્ર મામલે પરિણીતાએ અરજી આપી હતી. અરજી અનુસંધાને બંને પક્ષે સમાધાનની વાટાઘાટો ચાલતી હતી. પણ સાસરીયા પરિણીતાને તેડી જવા તૈયાર ન હોઈ આખરે પરિણીતાએ પતિ જીગ્નેશ, સસરા રંગીતભાઈ, સાસુ લખીબેન, નણંદ સોનલબેન અને નણદોઈ રાકેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.










