કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખરીફ પાકનું ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ પણ ખેડા જિલ્લામાં શિયાળુ સિઝન શરૂ થતાંની સાથે જ ખેડૂતો દ્વારા ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે રવી પાકના વાવેતરમાં જોતરાઇ ગયા છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં ધરતી પુત્રોેએ 36154 હેકટરમાં રવી પાકનું વાવેતર કરી દીધું છે. જેમાં ઘઉં, તમાકુ , રાઇ,ચણા, શાકભાજી,ઘાસચારો સહિત અન્ય પાકનો સમાવેશ થાય છે. જિલ્લામાં રવી સિઝનમાં કુલ દોઢ લાખ ઉપરાંત હેકટરમાં વાવેતર કરવામાં આવે છે. ખેડા જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, જિલ્લામાં રવી સિઝનનું વાવેતર પુરજોશમાં ચાલી રહ્યું છે . જિલ્લાના મોટાભાગના ખેડૂતો દ્વારા ઘઉં અને તમાકુ પાકનું વાવેતર વધુ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતો દ્વારા ઘઉંનું 10339 હેકટરમાં અને તમાકુ પાકનું 11318 હેકટરમાં વાવેતર કરી દીધું છે. આ ઉપરાંત જિલ્લામાં મકાઇ 4 હેકટર , ચણા 951 હેકટર અને અન્ય કઠોળ 72 હેકટર , રાઇ 1021, જીરૂ 13, લસણ 3, ધાણા 6, સવા 27, વરિયાળી 348,બટાટા 2958 , ડુંગળી 13, શાકભાજી 4753, ઘાસચારો 4163 હેકટરમાં વાવેતર થઇ ચુકયું છે. હજુ ખેડૂતો દ્વારા તૈયાર કરેલા ખેતરોમાં પાકનું વાવેતર પુરજોશમાં કરી રહ્યા છે. રવી સિઝનના વાવેતર ખેડૂતોના ઉત્સાહને લઇને જિલ્લામાં સિઝનના વાવેતરના અંત સુધીમાં દોઢ થી પોણા બે લાખ ઉપરાંત વાવેતરનો આંક પહોંચશે તેવી શકયતા વર્તાઇ રહી છે. જિલ્લા હાલ લગ્ન સિઝન ચાલી રહી છે તે પૂર્ણ થયા બાદ વાવેતરને વેગ મળશે તેવી સંભાવના છે.










