નડિયાદ તાલુકાના પાલૈયા ગણેશપુરામાં ગઈકાલે સાંજના સુમારે રસ્તાની બાબતમાં બે પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.


સરપંચ સહિતના ઈસમો દ્વારા પથ્થરમારો, ધારિયા લાકડાના ડંડાથી તથા ગડદાપાટુનો માર મારતાં ચારેકને ઈજા પહોંચી હતી. જે બાદ આજે સવારે વિવાદીત રસ્તાને જેસીબીથી તોડી પડાતા આખરે મામલો કલેકટર કચેરીએ પહોંચ્યો હતો. નડિયાદ તાલુકાના પાલૈયા ગણેશપુરા વિસ્તારમાં જવા આવવાનો રસ્તો સર્વે બ્લોક નં. 232માંથી પસાર થતા રસ્તાની સરકારી નાળવાળો રસ્તો જમીનના ખાતેદાર તથા અન્ય કેટલાક ઈસમો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. આ રસ્તાનો ઉપયોગ ગ્રામજનો છેલ્લા સો વર્ષોથી કરી રહ્યા હોઈ અચાનક બંધ કરી દેવા મામલે તેમણે કોર્ટમાં દાવો કર્યો હતો.

દરમિયાન નડિયાદ ગ્રામ્ય મામલતદાર દ્વારા કામચલાઉ આ રસ્તો વાપરવા માટે હુકમ કર્યો હતો. જેને લઈને ગ્રામજનો આ રસ્તા પરથી અવરજવર કરી રહ્યા હતા. દરમિયાન ગઈકાલે તા. 26મી નવેમ્બર 2025ના રોજ સાંજના સમયે કેટલાક ગ્રામજનો આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન રસ્તા પરથી પસાર થવું નહીં કહીને તેમના પર સરપંચ સહિતના ઈસમો દ્વારા પથ્થરમારો કરી, ધારિયા અને લાકડાના ડંડાથી માર મારી, ગડદાપાટુનો પણ માર માર્યો હતો. જેને લઈને ચારેક લોકોને શરીરે ઈજાઓ પણ પહોંચી હતી. આ મામલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આજે તા.27મીના રોજ સવારના સમયે વિવાદીત રસ્તાને જેસીબીથી તોડી પાડવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કંટાળેલા ગ્રામજનો આખરે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. અને ગામના સરપંચ સહિતના ઈસમો દ્વારા મામલતદારના હુકમને ઘોળી પી ગયા મામલે રજુઆત કરી હતી અને જ્યાં સુધી રસ્તાની સમસ્યાનો કાયમી નિકાલ નહીં આવે ત્યાં સુધી અહીંયા જ બેસી રહીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.


  • Follow us on: