નડિયાદ નજીક આવેલ ડભાણ નેશનલ હાઈવે પર આજે બપોરના સુમારે ત્રણ અજાણ્યા ઈસમોએ જાહેર રોડ પર વાહનોની અવરજવર વચ્ચે એક બાઈક ચાલક યુવાનને ટોમી અને લાકડાના દસ્તા લઈને ફરી વળ્યા હતા. હુમલાના કારણે યુવાન મોઢા અને હાથે પગે ઈજાઓ પહોંચતાં લોહીલુહાણ થઈ હાઈવે પર જ ઢળી પડયો હતો. સ્થાનિક યુવાનોએ તેને સારવાર માટે નડિયાદની હોસ્પિટલ ખસેડયો હતો. જેનો વિડીયો શહેરમાં વાઈરલ થવા પામ્યો છે. નડિયાદના ડભાણ નજીક આવેલ એક કંપનીમાં કામ કરતાં જ્ઞાન તિવારી (રહે.સંતરામધામ સોસાયટી, નડિયાદ) આજે રવિવારે બપોરના સુમારે ઘરેથી જમીને પરત નોકરી પર જઈ રહ્યા હતા. દરમિયાન ડભાણ નેશનલ હાઈવે પર બસ સ્ટેશનની સામે અચાનક ત્રણ અજાણ્યા ઈસમો એક વાહન પર આવ્યા હતા. અને લોખંડની ટોમી, અને લાકડાના દસ્તા વડે યુવાન પર હુમલો કરવા લાગ્યા હતા. નેશનલ હાઈવે પર જતા વાહનોની વચ્ચે અચાનક થયેલ તિક્ષ્ણ હથિયારના હુમલાના કારણે યુવાન લોહીલુહાણ થઈ રોડ પર જ બાઈક સાથે ઢળી પડયો હતો. આ બનાવનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં અજાણ્યા ઈસમ યુવાન પર હુમલો કરતાં નજરે પડી રહ્યા છે. આ મામલે યુવાનને હોસ્પિટલ પહોંચાડનાર કંપનીના અન્ય સાથીદારે સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવની જાણ થતાં જ નડિયાદ રુરલ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. અને યુવાનનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ લખાય છે ત્યાં સુધી બનાવ અંગે નડિયાદ રુરલ પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ નેશનલ હાઈવે પર વાહનોની વચ્ચે અસામાજિક તત્વોને જાણે કે કાયદાનો ડર જ ન હોય તેમ કરેલ મારામારીને પગલે શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના









