નડિયાદ શહેરમાં શનિવારે અડધી રાત્રે નડિયાદ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ દોડતી થઈ હતી. નડિયાદના ખેતા તળાવ પાસે એક ગટરલાઈનમાં એક યુવાન ફસાઈ ગયો હતો. ફાયરબ્રિગેડ અને પોલીસે લગભગ ચારેક કલાકની જહેમત બાદ યુવાનને જીવિત બહાર કાઢયો હતો.


નડિયાદના ખેતાતળાવ પાસેથી પસાર થતી એક ગટરલાઈનમાં રાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે એક યુવાન મદદ માટે બુમો પાડી રહ્યો હતો. જેથી એક રાહદારીએ આ મામલે તુરતજ નડિયાદ ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો. બનાવની જાણ થતાં જ નડિયાદ ફાયરબ્રિગેડના ફાયર ઓફીસર ચિરાગભાઈ ગઢવી તથા નડિયાદ ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. બંને ટીમોએ યુવાનને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પણ યુવાનનો પગ ફસાઈ ગયો હોય તે બહાર આવી શકતો ન હતો. જેથી જેસીબીથી રોડ તોડીને પણ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પણ આરસીસી રોડ તૂટી શક્યો ન હતો. આખરે બંને ટીમોએ તેને ગટરલાઈનમાંથી જ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આખરે ચારેક કલાકની જહેમત બાદ યુવાનને જીવિત બહાર કાઢવામાં બંને ટીમો સફળ રહી હતી. યુવાન અર્ધનગ્ન હાલતમાં, અને માનસિક હતાશ હોઈ તેવું તેની વાતચીત પરથી ટીમને જણાઈ આવ્યું હતું. શ્વાન પાછળ પડતા યુવાન બચવા માટે ગટરલાઈનમાં સંતાઈ ગયો હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું.

યુવાન ભોપાલમાં એન્જિનિયરિંગ કરે છે : પોલીસ

નડિયાદ ટાઉન પીઆઈએસ.બી.દેસાઈએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ બચાવ કાર્ય માટે દોડી ગઈ હતી. અને ફાયરબ્રિગેડ સાથે મળી કલાકોની જહેમત બાદ યુવાનને બહાર કાઢવામાં સફળ રહી હતી. યુવાનની ઓળખવિધીની તપાસ કરતાં મુળ ભોપાલનો હોવાનું, એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો હોવાનું, અને ત્યાંથી રેલવે મારફતે અહીં પહોંચી ગયો હોવાનું જણાવ્યું હતું. અહીં ચાલતો જતો હતો. દરમિયાન શ્વાન પાછળ પડતા ગટરલાઈનમાં સંતાઈ ગયો હતો. ભોપાલમાં પણ યુવાનની ગુમ જાણવાજોગ નોંધાઈ છે. યુવાનને તેના પરિવારજનો અને ભોપાલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.


  • Follow us on: