નડિયાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી વધુ એક વ્યક્તિનું કરંટ લાગતા મોત નિપજયું છે. થોડાક દિવસ અગાઉ શહેરના મીલ રોડ પર ચ્હા પીતા એક આધેડને કરંટ લાગતા મોત નિપજયું હતું. બાદ ગઈકાલે રાત્રે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન સામે આવેલ જુની સબ જેલ ફરતે લગાવેલ ફેન્સીંગ તારને અડકી જતા એક યુવાનને કરંટ લાગતા મોત નિપજયું હતું.
આ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકેથી વધુમાં મળતી માહિતી મુજબ નડિયાદ જુની સબ જેલ ફરતે ફેન્સીંગ લગાવેલ છે. ગઈકાલે તા.14મી જુન 2025ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે ફેન્સીંગના તાર નીચેથી પસાર થઈ એક યુવાન ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન તારને તેનો ડાબો હાથ અડકતાની સાથે કરંટ લાગ્યો હતો. તેને તુરતજ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડૉકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મુકેશભાઈ ઠાકોરની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસ મથકે અકસ્માત મોત દાખલ કરવામાં આવી છે. મૃતક યુવાન દિપક ઉર્ફે લાલો કાંતિભાઈ ગોહેલ (રહે.વૈકુંઠ સોસાયટી પાસે, ગોહેલ ફળીયું, પીજ રોડ, નડિયાદ) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવાન નજીકમાં આવેલ ભજીયાની લારી પર કામ કરતો હતો. કોઈક કારણસર ફેન્સીંગ તાર નીચેથી પસાર થઈ ગ્રાઉન્ડમાં જતો હતો. દરમિયાન સ્ટ્રીટલાઈટના થાંભલામાંથી ફેન્સીંગ તારમાં અર્થિંગ ઉતરવાના કારણે કરંટ લાગ્યો હતો.










