નર્મદા જિલ્લામાં રાજ્યની બે મોટી પાર્ટીના નેતાઓ બાખડ્યા હોવાની ઘટના સામે આવી છે. જિલ્લાના ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી અને ભાજપ નેતા વચ્ચે ઘર્ષણ થયું. બે પાર્ટીઓના નેતાઓ વચ્ચે બબાલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. હાલ મોટી સંખ્યામાં રાજકીય પક્ષના સમર્થકો ફરિયાદ માટે ડેડીયાપાડા પહોંચ્યા છે. આપ પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે થયેલ બબાલમાં પોલીસ ફરિયાદ કરવાના ચક્રોગતિમાન કરાયા છે.
સંકલનની બેઠકમાં નેતાઓ વચ્ચે બબાલ
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં આજે તાલુકા સંકલનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં વરસાદને લઈને ઉદભવેલ સમમસ્યા મામલે પક્ષના નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. આપના ધારાસભ્ય અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. નાગરિકોની ફરિયાદને લઈને શરૂ થયેલ ચર્ચા ઉગ્ર બોલાચાલીમાં પરિણમી અને મામલો એટલો વધ્યો કે વાત મારામારી સુધી પહોંચી. આપના ધારાસભ્યએ ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખને મારમાર્યો હોવાનું કથિત સૂત્રોએ જણાવ્યું.
રાજકીય માહોલ ગરમાયો
આપ નેતા અને ભાજપના પંચાયત પ્રમુખ વચ્ચેના ઘર્ષણનો મામલો સામે આવતા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિત અનેક નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. ઉપરાંત બંને પક્ષના રાજકીય સમર્થકો પણ ત્યાં પહોચ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા જ આપ નેતા ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે 30 વર્ષથી આ સરકાર છે છતાં એક પુલ પણ બનાવી શકી નથી. અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે છે ત્યારે નેતાઓ વચ્ચેના ઘર્ષણ મામલો સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે.









