નર્મદા જિલ્લામાં આજે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. જેમાં નર્મદા ઘાટના નવીનીકરણની કામગીરી દરમિયાન અચાનક ભેખડ ધસી પડતાં 3 સ્થાનિક શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ સ્થાનિકોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. નર્મદા નદીના કિનારે આવેલા ઘાટ વિસ્તારમાં સુધારણા અને નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું હતું.
નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન ઘટના
શ્રમિકો દીવાલ કે સ્ટ્રક્ચરના બાંધકામ માટે ખોદકામ કરી રહ્યા હતા. તે દરમિયાન જમીનનો મોટો ભાગ અચાનક ધસી પડ્યો હતો. ભેખડ ધસવાના કારણે ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ ઘટના બનતા જ આસપાસના અન્ય શ્રમિકો અને સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. તુરંત જ સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી. પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.












