ગુજરાતના આદિવાસી પટ્ટામાં જંગલ જમીનના હક્કપત્રો (સનદ) ને લઈને રાજકારણ અને પ્રશાસન વચ્ચે ગરમાવો આવી ગયો છે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યમાં જંગલ જમીનના 80 હજાર હક્કપત્રોનું વિતરણ કરવામાં આવનાર છે. આ પ્રસંગે નર્મદા અને ભરૂચ જિલ્લાના સ્થાનિક આદિવાસી ખેડૂતો આ હક્કપત્રોથી વંચિત રહી જવાની ભારે આશંકા સેવાઈ રહી છે. ખાસ કરીને છેલ્લા 20 થી 25 વર્ષોથી જમીન ખેડીને ગુજરાન ચલાવતા હજારો ખેડૂતોને તેમના હકનું પત્ર ન મળતા તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે અને તંત્ર સામે રોષ વ્યાપ્યો છે.
સાંસદ મનસુખ વસાવા તંત્ર પર ભડક્યા
આ ગંભીર મામલે ભાજપના જ સિનિયર અને પ્રખર આદિવાસી નેતા તથા સાંસદ મનસુખ વસાવા ખુલ્લેઆમ મેદાને આવ્યા છે અને અધિકારીઓ સામે ભારે આક્રમક રૂખ અપનાવ્યો છે. નર્મદા જિલ્લામાં હાલ 800 થી વધુ જંગલ જમીન હક્કની અરજીઓ પેન્ડિંગ પડેલી છે, જેમાં માત્ર સાગબારા તાલુકાની જ આશરે 6૩0 અરજીઓનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને અને જાહેરમાં રોષ વ્યક્ત કરતા સાંસદે જણાવ્યું હતું કે, ફોરેસ્ટ અને વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓ સ્થાનિક આદિવાસીઓને બાકાત રાખીને બહારના કે અન્ય નવા લોકોને સનદો આપવા તરફ આગળ વધી રહ્યા છે અને આદિવાસીઓમાં ભાગલા પાડી રહ્યા છે.
