ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પાઠવીને રાજ્ય સરકારની ફરિયાદ કરી છે.પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સાગબારા તાલુકામાં વર્ષોથી જંગલની જમીન ખેડતા ગરીબ આદિવાસીઓને સરકારી તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યાં છે. સરકારમાં અનેક રજૂઆતો કરવા છતાં ન્યાય મળતો નથી.સાંસદ વસાવાએ આ અંગે મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી તેમજ વનમંત્રીને અગાઉ લેખિતમાં અનેકવાર જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો રોષ ઠાલવ્યો છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાની PM મોદીને પત્ર

સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં ઉઠાવવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ પ્રમાણે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ભરવાડો દ્વારા વડપુરાની બાજુમાં શક્તપુરા નામનું ગેરકાયદેસર ગામ વસાવી દેવામાં આવ્યું છે.સાગબારા તાલુકામાં તુમડાવાડી ગામ ગેરકાયદેસર રીતે વસાવી દેવાયું હોવા છતાં અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ડેડિયાપાડાના કુલસર રેન્જમાં ચૈતર વસાવા,ગણેશ વસાવા અને અન્ય લોકો દ્વારા છેલ્લા 3 વર્ષથી જંગલની જમીન ખેડીને વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બોગજ તથા કોલીપાડાની જંગલની 400થી 500 એકર જમીન પર પણ ગેરકાયદેસર ખેડાણ થઈ રહ્યું હોવા છતાં કોઈ તપાસ થતી નથી.નર્મદા જિલ્લામાં મોટા મોટા ડુંગરો પર વૃક્ષો કાપીને જમીન ખેડી વાવેતર કરી દેવાયું છે. 

કાયદેસરની કડક કાર્યવાહી કરવા રજૂઆત

તેમણે પત્રમાં વધુમાં જણાવ્યુ છે કે, કેવડિયાથી રાજપીપળા થઈ ડેડિયાપાડા અને નેત્રંગ રોડ પરના ડુંગરો પર આ દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે.સુરત-માંડવી વિસ્તારમાં પણ વૃક્ષો કાપીને જમીન ખેડી નાખવામાં આવી છે અને જંગલોમાં વૃક્ષોના વાવેતરના નામે માત્ર કાગળો પર જ કરોડો રૂપિયા સગેવગે કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં RFO રેન્જમાં જવું હોય તો લાખો રૂપિયા આપવા પડે છે અને જંગલો નામશેષ થઈ રહ્યા છે.સાગબારા તાલુકામાં 20 વર્ષથી જંગલની જમીન ખેડતા ગરીબ લોકો પાસેથી જમીન પાછી ખેંચીને તેમને હેરાન કરવામાં આવે છે.જ્યારે ઉમરપાડામાં 500થી 600 એકર જંગલ જમીન ખેડતા માફિયાઓને સરકાર મદદ કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે.સાંસદ મનસુખવસાવાએ આ તમામ ગંભીર પ્રશ્નોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના દ્વારા ત્વરિત તપાસ કરાવવા અને જવાબદાર ઈસમો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: પિતાની મિલકત પુત્રવધૂનું વૈવાહિક ઘર ના ગણાય, કોર્ટે મકાન ખાલી કરવા આદેશ કર્યો