ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટીથી છલોછલ થવાની તૈયારીમાં છે. તા. 13 સપ્ટેમ્બર 2026ના સાંજે ડેમની જળસપાટી 137 મીટર નોંધાઈ છે. જે મહત્તમ સપાટીથી માત્ર પોણા બે મીટર જ દૂર છે. ડેમમાં હાલ લાઈવ સ્ટોરેજ 523100 MCM છે. ઉપરવાસમાંથી ડેમમાં 87131 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.પાણીની આવકને ધ્યાનમાં રાખીને નદીમાં પાવરહાઉસ મારફતે 42659 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જ્યારે કેનાલમાં 13577 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સપ્તાહમાં નર્મદા ડેમ પૂર્ણ ભરાઈને છલકાઈ શકે
નર્મદા ડેમમાંથી નદી અને કેનાલ મારફતે કુલ 56236 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ડેમની હાલની સપાટી મહત્તમ સપાટીથી માત્ર 1.68 મીટર દૂર છે. ડેમના કેચમેન્ટ એરિયામાં પણ સતત વરસાદ હોવાથી 87000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે ડેમની જળ સપાટીમાં ધીમો વધારો થશે અને જો સ્થિતિ આવી જ રહી તો આગામી એક સપ્તાહમાં નર્મદા ડેમ પૂર્ણ ભરાઈને છલકાઈ શકે તેવી શક્યતાઓ છે.
207 જળાશયોમાં હાલ 76.02 % જેટલો કુલ જળસંગ્રહ
ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક સતત જળવાઈ રહી છે. જળ સંપત્તિ વિભાગ દ્વારા 13 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 76.02 % જેટલો કુલ જળસંગ્રહ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં સૌથી વધુ 78.14% જળસંગ્રહ નોંધાયો છે, જેમાં 6 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. મુખ્ય ઉકાઈ ડેમમાં 77.47% પાણી છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 62.36% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 48.59% જળસંગ્રહ થયો છે જેમાં 10 ડેમો સંપૂર્ણ ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 42.19% પાણી સંગ્રહિત થયું છે. કચ્છના 20 ડેમોમાં 22.76% જળસંગ્રહ નોંધાયો છે.
207 ડેમો પૈકી 17 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે
રાજ્યના કુલ 207 ડેમો પૈકી 17 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. જ્યારે કેટલાક મોટા ડેમોમાં પાણીની સપાટી વધતા એલર્ટ અને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યા છે, જેની પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહીને પગલે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર અને ભરૂચ સહિતના 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વાવાઝોડા સાથે વરસી રહેલા આ વરસાદ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.જ્યારે અમદાવાદ, કચ્છ, મોરબી, ડાંગ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છ તથા સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે.
આ પણ વાંચોઃ Gujarat Weather News : 24 કલાકમાં 234 તાલુકાઓમાં મેઘમહેર, આજે આ 11 જિલ્લાઓમાં વરસાદ બગડાટી બોલાવશે