નર્મદા જિલ્લામાંથી સરદાર સરોવર નર્મદા ડેમનું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ કાઠિયાવાડ અને સમગ્ર ગુજરાતમાં જાય છે. જિલ્લાના ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. રાજ્યના 13 લાખ ધરતીપુત્રોને 15 મેથી સિંચાઇના પાણી મળશે તેવી મુખ્યમંત્રીની જાહેરાત છતાં નર્મદાના બે તાલુકાના 10 હજારથી વધુ ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. બે તાલુકાના ખેડૂતો અને લોકોમાં આક્રોશ અને ગુસ્સો જોવા મળે છે. સત્વરે સિંચાઈના પાણી મળે એવી ખેડૂતોએ માંગણી કરી છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલો છે. નર્મદા જિલ્લાના લોકોએ જમીનો ગુમાવી છે. અને બાળકોનું ભવિષ્ય સુધરશે એમ વિચાર્યું હતું. પરંતુ કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સિંચાઈ માટે નર્મદાના પાણી જાય છે. જ્યારે નર્મદા જિલ્લાના ખેડૂતોને પાણી મળતું નથી ? નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના વાડીયા બ્રાન્ચ કેનાલમાંથી પાણી મળતું હતું. પરંતુ હાલ મુખ્યમંત્રીના આદેશને જાણે નર્મદા કેનાલ નહેરના અધિકારીઓ ઘોળીને પી ગયા હોય એમ કેનાલોમાં નહેરોમાં પાણી છોડવા તૈયાર નથી ? ખેડૂતો ડિમાન્ડ કરતા નથી. એટલે પાણી નથી છોડવામાં આવ્યું તેવી વાતો કરે છે ત્યારે મુખ્યમંત્રીના હુકમનું શું ?










