રાજપીપળા ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય બ્રાન્ચમાં રૂા.1.93 કરોડની ઉચાપત કરનાર બેંકના જ કેશ ઓફિસરની પોલીસે ઓરિસ્સાથી ધરપકડ કરી છે.
આરોપી બાંગમોય દેબદાસ ચક્રવર્તી રાજપીપળાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય બ્રાંચમાં કેશ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો ત્યારે તેની જવાબદારી વિવિધ એટીએમમાં પૈસા જમા કરાવવાની હતી. આ દરમિયાન બાંગમોય ચક્રવર્તીએ રૂ.1.93 કરોડ એટીએમમાં જમા કરાવવાના બદલે પચાવી પાડયા હતા. જો કે તે બાદ તેની છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલી એસબીઆઇની બ્રાંચમાં બદલી થઇ ગઇ હતી. પરંતુ બેંક ઓડિટમાં ભાંડો ફુટતા બાંગમોય ફરાર થઇ ગયો હતો.બેંક તરફથી ફરિયાદ નોંધાવવામાં આવતા રાજપીપળા પોલીસે બાંગમોયને શોધવા કવાયત હાથ ધરી હતી. દરમિયાન બાંગમોયની પત્નીનું મોબાઈલ લોકેશન જમશેદપુર ખાતે આવતા. રાજપીપળા પોલીસ ત્યાં પહોંચી હતી. બાંગમોયની પત્નીની કોલ હિસ્ટ્રી ચેક કરતા બાંગમોયનું લોકેશન ઓરિસ્સાના ઝારસુગુડા ગામનું બતાવતું હતું.જે બાદ પોલીસ ટીમ ત્યાં પહોંચી અને બાંગમોય ઝડપાઈ ગયો હતો. રાજપીપળા ટાઉન પીએસઆઇ એમ.એ.ડાભીએ આરોપીને ઓરિસ્સાની ઝારસુગુડા કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી રાજપીપળા ચીફ કોર્ટમાં રજુ કર્યો હતો. કોર્ટે 6 દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા છે.










