ભારત ચૂંટણી પંચ દ્વારા 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવી રહેલા મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન - SIR) માં નર્મદા જિલ્લાના બૂથ લેવલ ઓફ્સિરો (બીએલઓ) એ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.
આ કામગીરીમાં સૌથી આગળ રહેનારા 148 નાંદોદ વિધાનસભા મતવિસ્તારના ત્રણ બીએલઓએ પોતાના મતદાન મથકોના દરેક મતદારનું 100 ટકા એન્યુમરેશન ફોર્મ વિતરણ અને તા. 24 નવેમ્બર 2025 પહેલાં જ 100 ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ કરી છે. જેમાં મુકેશભાઈ પટેલ (મતદાન મથક 186-વાવડી), રજનીકાંત પરમાર (મતદાન મથક 76-નરખડી) તથા કેવલભાઈ માછી (મતદાન મથક 221-બારખાડી, કમોદિયા)નો સમાવેશ થાય છે.આ ત્રણેય બીએલઓએ ખૂબ જ ટૂંકા સમયમાં પોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર પહોંચીને ફોર્મ ભરાવ્યા, તેનું મેપિંગ કર્યું અને બીએલઓ એપ દ્વારા સંપૂર્ણ ડેટા ડિજિટલ સ્વરૂપે અપલોડ કર્યો છે. આ અદભૂત કામગીરીને જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી એસ. કે. મોદીએ બિરદાવીને ત્રણેય બીએલઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યા અને તેમની નિષ્ઠા, સમર્પણ તથા કાર્યક્ષમતાની પ્રશંસા કરી હતી.હાલ આ કાર્યક્રમ તા. 4 ડિસેમ્બર, 2025 સુધી ગણતરીનો (ઈ.એફ.) તબક્કો ચાલશે. જિલ્લાનાં તમામ બીએલઓ દ્વારા તમામ મતદારોનું ગણતરી ફોર્મ પરત મેળવીને તેઓનાં મેપિંગકરીને ઇ.એફ. ડિજિટાઈઝ્ડ કરવાની કામગીરી ચાલી રહી છે.










