નર્મદા જિલ્લાના વેપારી મથક સેલંબા ખાતે દિવાળીની ઘરાકીના સમયે જ બજારમાં આરસીસી રસ્તો બનાવવાની શરૂઆત કરાતા આખો રસ્તો બ્લોક થઇ ગયો છે અને તેનાથી ગ્રાહકો સંખ્યામાં પણ ઘટાડો થતાં સેલંબાની વેપારીઓની દિવાળી બગડી છે.
સેલંબા નર્મદા જિલ્લાનું સૌથી મોટું વેપારી મથક છે. સેલંબા ખાતે આખા નર્મદા જિલ્લામાંથી લોકો ખરીદી માટે આવતા હોવાથી અહી મોટી બજાર છે અને લગભગ તમામ વસ્તુઓની દુકાનો અહી આવેલી છે. પરંતુ બજારમાં રસ્તો ખખડધજ હોવાથી લોકોને પરેશાની વેઠવી પડતી હતી અને ધૂળ ઉડતી હોવાથી દુકાનોમાં માલસામાન ખરાબ થવા ઉપરાંત લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થયુ હતું. આ અંગે સ્થાનિક લોકોએ અને વેપારીઓ વારંવાર રજૂઆત કરતા આખરે સેલંબા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચના પ્રયાસોથી રૂા.1.05 કરોડના ખર્ચે સેલંબાના વિવિધ માર્ગો ઉપર આર.સી.સી. નો રસ્તો બનાવવાની શરૂઆત થઈ ગઈ છે.










