નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર છે. અહીંના આદિવાસી સમાજની જીવનશૈલી, સંસ્કૃતિ, આર્થિક-સામાજિક સ્થિતિ તેમજ વહીવટી કામગીરીનો ઊંડો અભ્યાસ કરવા સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સના IPS-IIS-IFS જેવી વિવિધ કેન્દ્રીય સેવાના 16 ટ્રેઇની અધિકારીઓ તાલીમના ભાગરૂપે 30 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2025 દરમિયાન નર્મદા જિલ્લામાં રોકાણ કરીને વિષય અનુરૂપ અભ્યાસ કરશે.
બે ટુકડીમાં વહેંચાયેલા અધિકારીઓમાંથી એક ટુકડીએ તા.01 ડિસેમ્બર, 2025 ના રોજ દેડિયાપાડા તાલુકાની સામોટ ગ્રુપ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. અહીં તેઓએ ગામનો વિકાસ, સરકારી યોજનાઓનું અમલીકરણ, ગ્રામ પંચાયતની કામગીરી તેમજ સ્થાનિક સ્વરાજ્યની કાર્યપ્રણાલીની વિગતવાર જાણકારી મેળવી હતી.ટ્રેઇની અધિકારીઓએ સ્થાનિક સરપંચ, તલાટી, આંગણવાડી કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી જગદીશભાઈ સોનીએ વિવિધ યોજનાઓ વિષે જાણકારી આપી હતી.










