PM નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે "આ સરદાર પટેલનું ભારત છે, તે પોતાની સુરક્ષા અને સન્માનથી ક્યારે સમાધાન નથી કરતું. 2014 પછી અમે સરદારના સંકલ્પો પર ચાલ્યા. આપણે આજે નવા ભારતની શક્તિને અનુભવી રહ્યા છીએ. આજનું ભારત દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારે છે. દેશ સામે અત્યારે ઘૂસણખોરી એક મોટો પડકાર છે. કેટલાક લોકો ઘૂસણખોરોને મદદ કરે છે. પરંતુ અમે નકસલવાદ હોય કે આતંકવાદ તમામનો ખાતમો કરીને જંપીશું.
લોકતંત્રમાં મતભેદ સ્વીકાર્ય છે, મનભેદ ન હોવો જોઇએ, પીએમ મોદી
લોકતંત્રમાં મતભેદ સ્વીકાર્ય છે, મનભેદ ન હોવો જોઇએ. દેશની એકતા પર પ્રહારનો વિચાર ગુલામીની માનસિકતા બતાવે છે. કોંગ્રેસે અંગ્રેજો પાસેથી ગુલામીની માનસિકતા પણ મેળવી છે. રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ જવા જઈ રહ્યા છે. વંદે માતરમ દેશની એકતા, એકજૂથતાનો અવાજ છે. અંગ્રેજોએ વંદે માતરમ બોલવા પર પ્રતિબંધ મૂકવા પ્રયત્ન કર્યો. અંગ્રેજો તેમના આ પ્રયાસમાં ક્યારેય સફળ ન થયા, અંગ્રેજો ન કરી શક્યા તે કાર્ય કોંગ્રેસે કરી બતાડ્યું. ધર્મના આધારે વંદે માતરમનો હિસ્સો હટાવ્યો. કોંગ્રેસે વંદે માતરમને વિભાજિત કર્યુ. કોંગ્રેસે ભારતના વિભાજનનો પાયો નાખ્યો. સાંસ્કૃતિક એકતા દેશનો પહેલો આધારસ્તંભ છે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી
આજે અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે. દેશભરમાં આજે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં કેવડિયા ખાતે એકતા નગરમાં ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, 182 મીટર ઊંચી 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' પર પહોંચીને પુષ્પાંજલિ અર્પી અને તેમને નમન કર્યા હતા. આ પ્રસંગે PM મોદીએ ગૌરવપૂર્ણ પરેડમાં રાષ્ટ્રહિતના શપથ લેવડાવ્યા અને જવાનોને સલામી આપી.









