નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU), હવે માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બની રહ્યું છે. દિવાળી વેકેશન અને ત્યારબાદ યોજાયેલા વિવિધ પર્વોને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની સંખ્યામાં જંગી વધારો નોંધાયો છે.
દિવાળી પર્વ અને રાષ્ટ્રીય એકતા પરેડનો લાભ
કેવડિયામાં દિવાળી દરમિયાન પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા પરેડ યોજાઈ હતી. આ ઉપરાંત, એક મહિના સુધી પ્રકાશ પર્વ અને 15 દિવસ સુધી ભારત પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેના પરિણામે પ્રવાસીઓનો ધસારો સતત વધ્યો છે.
પ્રવાસીઓની સંખ્યામાં જંગી વધારો
SSNL (સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ)ના MD અને SOUના ચેરમેન મુકેશ પુરીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દિવાળીની રજાઓ અને પર્વના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.હાલમાં પણ રોજના સરેરાશ 10 થી 15 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે, અને રજાના દિવસોમાં આ સંખ્યામાં મોટો ઉછાળો આવે છે. દિવાળીના માસમાં ટૂંકા ગાળામાં પાંચ લાખ કરતાં વધારે પ્રવાસીઓએ SOUની મુલાકાત લીધી હતી.
SOU બન્યું ઇન્ટરનેશનલ ટુરિસ્ટ પ્લેસ
મુકેશ પુરીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું ત્યારથી, એટલે કે ૨૦૧૮થી અત્યાર સુધીમાં અહીં કુલ ૨.૭૫ કરોડ જેટલા પ્રવાસીઓ નોંધાયા છે. તેમણે ઉમેર્યું કે સરકાર દ્વારા યોજાયેલા આ રાષ્ટ્રીય પર્વોને કારણે માત્ર ગુજરાતમાંથી જ નહીં, પરંતુ દેશ બહારના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પણ અહીં મોટી સંખ્યામાં આવ્યા છે. આને કારણે હવે SOU માત્ર નેશનલ જ નહીં, પરંતુ દેશ અને દુનિયામાં એક મોટું આંતરરાષ્ટ્રીય પ્રવાસન ધામ તરીકે ઉભરી રહ્યું છે.