આવતીકાલથી માં દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થશે. ત્યારે અમદાવાદ પોલીસે પણ નવરાત્રિને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરમાં ગરબાના આયોજન માટે પોલીસની મંજૂરી માટે 84 અરજીઓ આવી છે. જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં 29 ગરબા આયોજકોને મંજૂરી આપી છે. આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવશે. પોલીસે નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રિમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરશે.

ગરબા સ્થળે શી ટીમની 49 જેટલી ટીમો કાર્યરત હશે

આ અંગે DCP રિમા મુન્શીએ કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ગરબાની મંજૂરી માટે 84 અરજીઓ મળી છે. જેમાંથી પોલીસે 29 ગરબા આયોજકોને મંજૂરી આપી છે. આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી મંજૂરી આપી શકાશે. તેમણે કહ્યું હતું કે, શહેરમા ગરબા સ્થળે શી ટીમની 49 જેટલી ટીમો કાર્યરત હશે. પોલીસે 28 ગરબા ક્લાસમાં ત્રણ હજાર જેટલી મહિલાઓને સુરક્ષાની તાલીમ આપી છે. પોલીસની શી ટીમ એસજી હાઈવે અને સિંધુભવન રોડ પર હાજર રહેશે. આ ઉપરાંત જ્યાં સીસીટીવી નથી તેવા ડાર્ક સ્પોટ પર પણ હાજર રહેશે.

રોમિયો અને છેડતી કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરાશે

DCP રિમા મુન્શીએ કહ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન રોમિયો અને છેડતી કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.પાર્કિંગમાં પડેલી બ્લેક ફિલ્મ વાળી ગાડી લોક કરવામાં આવશે. બાઈકર્સ ગેંગ અને બાઈક રેસર્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન 15 DCP, 30 ACP, 160 PI, 4 હજાર હોમગાર્ડ, 5 હજાર પોલીસ કર્મી, એસઆરપીની ત્રણ કંપની અને એક સ્પેશિયલ એન્ટી ફોર્સ લો એન્ડ ઓર્ડરની ટીમ બંદોબસ્તમાં હાજર રહેશે.
  • Follow us on: