નવરાત્રિના પાવન પર્વમાં અમદાવાદમાં વરસેલા અણધાર્યા વરસાદે ખેલૈયાઓ અને આયોજકોની મુશ્કેલીમાં મોટો વધારો કર્યો છે. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિના મુખ્ય સ્થળ GMDC ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ ગંભીર બની છે. GMDC ગ્રાઉન્ડમાં વિશાળ પ્રમાણમાં પાણી ભરાવાના કારણે આયોજનને અસર પહોંચી છે. ગ્રાઉન્ડમાં જ્યાં ગરબાનું આયોજન થવાનું છે તે કુત્રિમ ઘાસ (આર્ટિફિશિયલ ટર્ફ) પાથરેલા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.

GMDC ગ્રાઉન્ડમાં પાણીના નિકાલ માટે કામગીરી શરૂ

ખેલૈયાઓને ગરબે રમવામાં કોઈ અડચણ ન નડે તે સુનિશ્ચિત કરવા માટે યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે મોટી સંખ્યામાં શ્રમિકોને કામે લગાડવામાં આવ્યા છે. શ્રમિકો કુત્રિમ ઘાસમાં ભરાયેલા પાણીને રેકઝિન અને અન્ય સાધનો વડે ખેંચીને બહાર કાઢવા માટે પરસેવો પાડી રહ્યા છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગરબાના પ્રારંભના સમયે ગ્રાઉન્ડ સંપૂર્ણપણે સૂકું અને રમત માટે તૈયાર હોય.

વરસાદે વધારી ખેલૈયાઓની મુશ્કેલી

માત્ર GMDC ગ્રાઉન્ડ જ નહીં પરંતુ શહેરમાં વરસેલા વરસાદના કારણે અનેક પાર્ટી પ્લોટ અને ખાનગી ગરબાના સ્થળો પર પણ પાણી ભરાયા છે. આ વરસાદને કારણે કેટલાક સ્થળોએ આયોજકોને ગરબાના કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે. જેનાથી ખેલૈયાઓની નવરાત્રિનો ઉત્સાહ થોડો મંદ પડ્યો છે. જોકે હવામાન વિભાગની આગાહીઓ અને આયોજકોની ઝડપી કામગીરી વચ્ચે ખેલૈયાઓ આશા રાખી રહ્યા છે કે વરસાદ વિરામ લે અને તેઓ માતાજીની આરાધનાના આ પર્વમાં મન મૂકીને ગરબે ઘૂમી શકે.