અમદાવાદ શહેરમાં નવરાત્રિ અને દશેરાના પવિત્ર તહેવારો દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને નાગરિકો તેમજ ખેલૈયાઓ સુરક્ષિત રીતે અવરજવર કરી શકે તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર 11 ઑક્ટોબરથી લઈને 21 ઑક્ટોબર સુધી શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ અમલી બનાવવામાં આવ્યો છે.
સવારે 8 થી રાત્રે 2 વાગ્યા સુધી નો-એન્ટ્રી
પોલીસ કમિશનરના આદેશ મુજબ, 11 થી 21 ઑક્ટોબર દરમિયાન દરરોજ સવારે 8:00 વાગ્યાથી લઈને રાત્રે 2:00 વાગ્યા સુધી શહેરના સીમાડો અને મુખ્ય માર્ગો પરથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, ટ્રાફિકનું ભારણ ઘટાડવાના હેતુથી 33 થી વધુ પેસેન્જર ક્ષમતા ધરાવતા વાહનોની અવરજવર પર પણ રોક લગાવવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસો અને દશેરાના દિવસે ગરબા સ્થળો અને બજારોમાં લોકોની ભારે ભીડ રહેતી હોવાથી આ નિર્ણય લેવાયો છે.
