નવરાત્રિનો પાવન તહેવાર નજીક આવતા જ ખેલૈયાઓમાં ગરબાના પાસ માટે ભારે દોડધામ જોવા મળે છે. સારા ગરબા આયોજનોમાં એન્ટ્રી મેળવવા માટે લોકો સોશિયલ મીડિયા પર પાસની શોધખોળ કરતા હોય છે, પરંતુ લોકોની આ જ માનસિકતા અને ઉત્સાહનો ગેરલાભ ઉઠાવીને હવે સાયબર ઠગોએ છેતરપિંડીનું નવું હથિયાર શોધી કાઢ્યું છે. ફ્રી ગરબા પાસની લાલચ આપીને નાગરિકોના બેંક ખાતા ખાલી કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે બાબતે વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય છે.
કઈ રીતે કામ કરે છે ફ્રી ગરબા પાસનું આ ફ્રોડ?
સાયબર ક્રિમિનલ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને WhatsApp પર અત્યંત આકર્ષક મેસેજ વાયરલ કરે છે. મેસેજમાં દાવો કરવામાં આવે છે કે, ફ્રીમાં ગરબા પાસ મેળવવા માટે આપેલી લિંક પર ક્લિક કરો. લોકોનો વિશ્વાસ જીતવા માટે ઘણીવાર જાણીતા ગરબા આયોજકો કે ગ્રાઉન્ડના નામો અને ફોટાનો દુરુપયોગ કરવામાં આવે છે. જેવું કોઈ વ્યક્તિ તે લિંક પર ક્લિક કરે છે, કે તરત જ પાસ ડાઉનલોડ કરવાના નામે એક APK ફાઈલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે. ફ્રી પાસ મેળવવાની ઉતાવળમાં યુઝર્સ આ APK ફાઈલ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દે છે, અને અહીંથી જ અસલી સાયબર ફ્રોડનો ખેલ શરૂ થાય છે.

બેંક ખાતા પર જોખમ અને APK ફાઈલનું રહસ્ય
મોબાઈલમાં APK ફાઈલ ઇન્સ્ટોલ થયા બાદ યુઝર્સ અજાણતા જ કેટલીક સંવેદનશીલ પરવાનગીઓ આપી દેતા હોય છે. આ પરવાનગીઓનો દુરુપયોગ કરીને ઠગો મોબાઈલમાં આવતા SMS અને OTP જેવી ખાનગી માહિતી સુધી સરળતાથી પહોંચી જાય છે. એક તરફ મોબાઈલની સ્ક્રીન પર ફ્રી ગરબા પાસ દેખાઈ રહ્યો હોય છે, તો બીજી તરફ બેકગ્રાઉન્ડમાં હેકર્સ બેંક એકાઉન્ટ ખાલી કરવાની પ્રક્રિયા કરી રહ્યા હોય છે.
અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે, ઘણીવાર કોઈ પરિચિત કે ઓળખીતા વ્યક્તિના WhatsApp નંબર પરથી પણ આવી ફાઈલો આવી શકે છે, કારણ કે હેક થયેલા એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને આ વાયરસ ફેલાવવામાં આવતો હોય છે.

સાયબર ઠગાઈથી બચવાના અચૂક ઉપાયો
આ પ્રકારના ઓનલાઈન કૌભાંડોથી બચવા માટે નીચે મુજબની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.
- સોશિયલ મીડિયા કે WhatsApp પર ફ્રી ગરબા પાસના નામે આવતી કોઈપણ શંકાસ્પદ લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરવું.
- કોઈપણ સંજોગોમાં અજાણી કે શંકાસ્પદ APK ફાઈલ મોબાઈલમાં ડાઉનલોડ કે ઇન્સ્ટોલ ન કરવી.
- જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બની જાય, તો તુરંત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવો, કારણ કે જેટલો ઓછો સમય જશે એટલી જ ઝડપથી નાણાં રોકી દેવાની શક્યતા વધશે.
- આ નવરાત્રિમાં ગરબાના તાલે ઉત્સાહથી ઝૂમો, પરંતુ ફ્રી પાસની લાલચમાં સાયબર ઠગોની જાળથી હંમેશા સાવચેત રહો!
આ પણ વાંચો: