અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રી મહોત્સવને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે પોલીસે કડક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 890 ગરબાના આયોજનો થવાના છે, જેમાંથી 17 જેટલી કોમર્શિયલ ગરબાની અરજીઓ મળી છે. ખાસ કરીને બોપલ અને અમદાવાદ શહેરની નજીકના ગરબા આયોજનો પર પોલીસની વિશેષ નજર રહેશે. આ તમામ કોમર્શિયલ આયોજકો માટે પોલીસે 24 પોઈન્ટની ખાસ ચેકલિસ્ટ તૈયાર કરી છે, જે અંતર્ગત પોલીસ દ્વારા દરરોજ સુરક્ષા તપાસ કરવામાં આવશે.
અત્યાધુનિક ટેકનોલોજી અને ડ્રોનથી ક્રાઉડ મેનેજમેન્ટ
ગરબા પંડાલમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. દરેક ગરબા સ્થળે CCTV રૂમ ફરજિયાત રાખવો પડશે અને દરરોજ આ કેમેરાનું રેકોર્ડિંગ સુરક્ષિત જાળવવું પડશે. ભીડભાડ પર નિયંત્રણ મેળવવા માટે ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઉડ મેનેજમેન્ટ કરાશે. આ ઉપરાંત, ગરબાની નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ પાસનું વિતરણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ગેરકાયદે પાર્કિંગના નામે નાણાં ઉઘરાવનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.

