નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન, ભાવનગર જિલ્લામાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર સુરક્ષાકર્મીઓ સામે જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. નવરાત્રિના મહત્ત્વના બંદોબસ્તની ડ્યુટી દરમિયાન વિના કારણે ગેરહાજર રહેનાર કર્મચારીઓ સામે સપાટો બોલાવવામાં આવ્યો છે.

1 પોલીસકર્મી અને 4 હોમગાર્ડ જવાનો ફરજ મોફૂક

પ્રાપ્ત વિગતો અનુસાર, બંદોબસ્તના આયોજનમાં ગેરહાજર રહેવા બદલ તંત્રે ગંભીર નોંધ લઈને તાત્કાલિક અસરથી કડક શિસ્તભંગના પગલાં લીધા છે. આ કાર્યવાહી હેઠળ કુલ 1 પોલીસકર્મી અને 4 હોમગાર્ડ જવાનોને ફરજ મોફૂક (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓની કડક સૂચનાઓ છતાં ડ્યુટી પર હાજર નહીં રહેનાર કર્મચારીઓ સામેની આ લાલઘુમ કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

પોલીસ તંત્રનો સ્પષ્ટ સંદેશ, બેદરકારી સાંખી લેવાશે નહીં

તહેવારોની મોસમમાં નાગરિકોની સુરક્ષા અને સલામતી સર્વોપરી હોય છે, ત્યારે પોલીસ કે સુરક્ષા દળોના જવાનો દ્વારા ફરજમાં કરવામાં આવતી કોઈપણ પ્રકારની ચૂક કે લાપરવાહી બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં, તેવો સ્પષ્ટ સંદેશ આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ બંદોબસ્તમાં ગેરહાજર રહેનારાઓ સામે આ પ્રકારની સખત પ્રશાસકીય કાર્યવાહી જારી રહેવાની સંભાવના છે.


આ પણ વાંચો: Sandesh Navratri 2026 Contest: બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબા કોન્ટેસ્ટ, આકર્ષક ગિફ્ટ વાઉચર્સ, જુઓ આજના PHOTOS