સુરત શહેર તેના ઉત્સવપ્રિય સ્વભાવ અને નવરાત્રીની ભવ્ય ઉજવણી માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આજના આધુનિક સમયમાં જ્યાં મોટા મોટા કમર્શિયલ ડોમ અને લાખો રૂપિયાની ટિકિટો વાળા ગરબા મહોત્સવોનું ચલણ વધ્યું છે, ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આજે પણ મા આરાધનાના સાચા પ્રતીક સમા શેરી ગરબાની પરંપરાને ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જીવંત રાખવામાં આવી છે. શેરી ગરબા એ જ ગુજરાતના અસલી અને પ્રાચીન ગરબા તરીકે ઓળખાય છે, જેની સંસ્કૃતિ આજે પણ અહીં અકબંધ જોવા મળે છે.
છેલ્લા 20 વર્ષથી સતત આયોજન
અડાજણ વિસ્તારમાં રહીશો દ્વારા એકજૂથ થઈને છેલ્લા 20 વર્ષથી સતત શેરી ગરબાનું ભવ્ય અને સાત્ત્વિક આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગરબાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ કમર્શિયલ ભેદભાવ હોતો નથી. અહીં 5 વર્ષના નાના બાળકોથી લઈને 70 વર્ષથી વધુ વયના વૃદ્ધો અને વડીલો પણ એકસાથે એક જ તાલે મા અંબાના ગરબે ઘૂમે છે. મંડપમાં માતાજીના ગરબા સ્થાપિત કરી પરંપરાગત ઢોલના તાલે રાસ-ગરબા રમીને લોકો નવરાત્રીનો પવિત્ર આનંદ માણે છે.
