નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક યુવાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને ગામની યુવતીઓના બિભત્સ ફોટા બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. નવસારી સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે આરોપી યુવાનને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


યુવાને AI દુરુપયોગ કરીને યુવતીના બિભત્સ ફોટા પોસ્ટ  કર્યા

આ ઘટના ગણદેવી તાલુકાના ધોલાઈ ગામના એક યુવાનનું કારસ્તાન છે. આરોપી યુવાન ગામનાં જ યુવક-યુવતીઓના સામાન્ય ફોટાનો ઉપયોગ કરીને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના માધ્યમથી તેમના બિભત્સ અને અશ્લીલ ફોટા બનાવતો હતો. આ બનાવટી અને બિભત્સ ફોટાને તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતો હતો.ગામની એક યુવતીને આ અંગે જાણ થતાં તેણે તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

પોલીસે આરોપી યુવાનની અટકાયત કરી

ફરિયાદ મળતાની સાથે જ નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સક્રિય થઈ હતી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બિભત્સ ફોટા બનાવનાર યુવાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી યુવાનની અટકાયત કરી લીધી છે અને તેની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે આરોપીએ કેટલા લોકોના ફોટા બનાવ્યા હતા, કેટલા સમયથી આ કૃત્ય આચરતો હતો અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. AI જેવી આધુનિક ટેક્નોલોજીનો આ પ્રકારે ગુનાહિત હેતુ માટે દુરુપયોગ થવાની ઘટનાએ સમાજ અને કાયદા અમલીકરણ એજન્સીઓ માટે નવા પડકારો ઊભા કર્યા છે.

  • Follow us on: