નવસારીના બીલીમોરા નજીક એક શંકાસ્પદ હેલિકોપ્ટર જોવા મળ્યું છે. બીલીમોરાના વાઘરેચ નજીક આ શંકાસ્પદ હેલિકોપ્ટર જોવા મળ્યું છે. આ શંકાસ્પદ હેલિકોપ્ટરે વાઘરેચ નજીક આકાશમાં મોટા ચક્કર લગાવ્યા અને ચક્કર લગાવ્યા બાદ વાઘરેચમાં લેન્ડ થયું છે. લેન્ડ થયા બાદ હેલિકોપ્ટરમાંથી એક વ્યક્તિએ ઉતરીને મોબાઈલમાં ફોટોગ્રાફી કરી હોવાનો સ્થાનિક લોકોનો દાવો છે. ફોટોગ્રાફી કર્યા બાદ હેલિકોપ્ટર ફરી ટેક ઓફ કરીને રવાના થઈ ગયું છે.
28 જૂને અમદાવાદના જગન્નાથ મંદિર પાસે શંકાસ્પદ ડ્રોન ઝડપાયું હતું
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે પોલીસે પ્રથમવાર એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ કર્યો હતો. જેમાં એક શંકાસ્પદ ડ્રોન જગન્નાથજી મંદિરની નજીક જોવા મળતા પોલીસે ડ્રોનને ટ્રેક કરીને નીચે ઉતારીને જપ્ત ર્ક્યું હતું. ક્રાઈમબ્રાંચે પ્રથમવાર ઉપયોગમાં લીધેલી એન્ટી ડ્રોન ગનથી ડ્રોનને બે કિલોમીટરની રેન્જ સુધી ટાર્ગેટ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે ભગવાનની રથયાત્રા દરમિયાન પોલીસે ખાનગી લોકોને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જો કે રથયાત્રા દરમિયાન પોલીસ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ તેમની પાસેના તેમજ અન્ય એજન્સીના કુલ મળીને 75 જેટલા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. જે તમામ ડ્રોન રજીસ્ટર્ડ કરાયા હતા. આ સાથે પોલીસે જગન્નાથ મંદિર અને સરસપુર રણછોડરાયજીના મંદિર પર એન્ટી ડ્રોન ગનનું સેટ પણ કર્યુ હતું.
29 મેના રોજ મહુવાના દરિયાકિનારે મળી આવી હતી અજાણી બોટ
ઉલ્લેખનીય રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી શંકાસ્પદ ડ્રોન, બોટ અને હવે આ હેલિકોપ્ટર જોવા મળ્યું છે. ત્યારે અગાઉ 29મેના રોજ પણ ભાવનગરના મહુવામાં દરિયા કિનારે એક અજાણી બોટ મળી આવી હતી. મહુવાના દરિયામાં અજાણી બોટ મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. મહુવાના નિકોલના લાઈટ હાઉસ નજીકના દરિયાકાંઠે આ અજાણી બોટ મળી આવી હતી. આ બોટના ઉપયોગ વિશે માછીમારોને પુછવામાં આવતા તેમને જણાવ્યું કે ખાસ કરીને આ બોટનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશનમાં થાય છે. જણાવી દઈએ કે આ બોટ પર એક રૂદ્રા, એક નંબર અને મુંબઈ લખેલું હતું. આ સમગ્ર ઘટનાની જાણ મહુવા રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.









