આમોદ તાલુકાના કોલવણા ગામે રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પિકઅપ ગાડીમાં ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો લઇને મોભા ગામે જતાં બે ઇસમોને આમોદ પોલીસે આછોદ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડયા હતાં. સરકારી અનાજના જથ્થા બાબતે કોઈ ખુલાસો નહી કરતાં પોલીસે બે ઇસમોની અટકાયત કરી પિકઅપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આમોદ પોલીસને ગત રોજ રાત્રિના બાતમી મળી હતી કે, મેહુલકુમાર કનૈયા લાલ શાહ (રહે.ચોકારી, બ્રાહ્મણવાડી ખડકી તા.પાદરા) તથા નિતિનભાઇ ઉર્ફે અંકિત જીતુભાઇ પઢિયાર (રહે.ચોકારી, ટેકરીવાળુ ફળિયું તા.પાદરા) બોલેરો પીકઅપ ગાડીમાં શંકાસ્પદ અનાજની બોરીઓ ગેરકાયદે ભરીને રોઝાટંકારીયાથી મોભા તરફ જઈ રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે આછોદ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી પીકઅપ ગાડી આવતાં તેને ઉભી રાખી તપાસ કરતા ઘઉંની 36 થેલી તથા ચોખાની 24 થેલી મળી કુલ 60 થેલી મળી આવતાં તેમજ આ અનાજના જથ્થા વિશે પુછપરછ કરતા ડ્રાઇવર મેહુલે તે રોજા ટંકારીયા ગામેથી સલીમ ભાઇ સુલેમાનભાઇ ઉઘરાદર (રહે. કોલવણા ગામ તા.આમોદ)થી મોભા ગામે રહેતા કમલેશ વસંતલાલ શાહના ત્યાં આપવા જતાં હોવાનું જણાવ્યુ હતું. જ્યારે તેનું કોઈ બિલ કે પૂરાવો નહીં હોવાથી પોલીસે ઘઉ અને ચોખાનો કુલ રૂા.90,000નો જથ્થો અને ગાડી મળી કુલ રૂા.4,95,000 નો મુદામાલ જપ્ત કરી પુરવઠા મામલતદારની હાજરીમાં સરકારી ગોડાઉનમાં સીઝ કરાવ્યો હતો.










