પાદરા નગર પાલિકા વિસ્તારમાં મસ્તાનપુરા હાઈવેની આસપાસ ગોવિંદપુરા તળાવ સામે માળી વિસ્તારમાં એક મહિનો પહેલા કાચા-પાકા મકાનો અને લારી-ગલ્લાના દબાણો દૂર કરાયા હતા. પરંતુ તાજેતરમાં કેટલાક ઇસમો ફરીથી સરકારી જમીન પર વાણિજ્ય પ્રકારના દબાણો ઊભા કરી કબજો જમાવાના પ્રયત્નો કર્યાની માહિતી વહીવટી તંત્રને મળતા, પાદરા મામલતદાર કચેરી, પાદરા નગર પાલિકા અને પાદરા પોલીસ વિભાગે સંયુક્ત રીતે આ સ્થળે દબાણ હટાવની કાર્યવાહી હાથ ધરી હતી.
કર્મચારીઓએ દબાણો દૂર કર્યા હતા. લગભગ 10 દબાણકર્તાઓની લારીઓ જપ્ત કરી હતી. દરમિયાન વહીવટી તંત્ર અને દબાણકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ જણાવાયું હતું કે સરકારી જમીન પર ગેરકાયદે દબાણો કોઈપણ હાલતમાં બરદાસ્ત નહીં કરાય. આવા દબાણો સામે કડક પગલાં લેવાશે. પાદરા શહેરના ગોવિંદપુરા તળાવમાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે બ્યુટીફ્કિેશન યોજનાની કામગીરી હાથ ધરાઈ રહી છે. તેની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે દબાણો તાત્કાલિક દૂર કરવા વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચના અપાઇ હતી. એક મહિના પૂર્વે પાદરા મામલતદાર કચેરી, પાદરા નગર પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં તમામ દબાણો ઉપર બુલડોઝર ફરાવીને સ્થળ ખાલી કરાવ્યું હતું.
પરંતુ સમસ્યા અહીં પૂરતી નથી રહી. દબાણકારોએ ગંભીર આક્ષેપો કરીને વાતને નવાં વળાંકો આપ્યા છે. દબાણ હટાવના એક મહિના બાદ પણ સરકારી જમીનને ના તો ફેન્સીંગ કરાઇ છે ના તો પ્રોટેક્શન દિવાલ ઊભી કરાઈ છે. ખુલ્લી પડેલી જમીન પર ફરીથી દબાણ ઊભાં થતા કેટલાક દબાણકારોનો આક્ષેપ છે કે, નેતાઓ તેમની વોટ બેંક સાચવવા માટે દબાણોને અવસર આપે છે. તંત્ર પર અનૌપચારિક દબાણ કરે છે. આક્ષેપો પ્રમાણે, દબાણ કરનારોને સમજાવીને કે સહકાર આપીને નહીં, પણ સહાનુભૂતિ બતાવીને જ નેતાઓ વોટની રાજનીતિ ચલાવે છે. સરકારની જમીન સરકારની હોવા છતાં, સરકારના જ અધિકારીઓએ તેને સુરક્ષિત રાખવામાં આળસ દાખવવાનો આરોપ પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. આ તમામ મુદ્દાઓ વચ્ચે આજે ફરી એકવાર પાદરા નગરપાલિકા, મામલતદાર અને પોલીસ તંત્રે સંયુક્ત કાર્યવાહી કરીને દબાણો દૂર કર્યાં હતા.
સરકારી જમીન ઉપર કોઇ પણ ચમરબંધીના દબાણ સાંખી લેવાશે નહી : વહીવટી તંત્ર
પાદરામાં લોકોએ તંત્રની નીતિ પર પ્રશ્નચિહન ઊભાં કર્યા છે. જો દબાણ હટાવવું જ હોય તો પછી સરકારી જમીનને સુરક્ષિત કેમ નથી રાખી શકાતી ? નેતાઓના પ્રોત્સાહનથી દબાણકારો ફરીથી ખેતી કેમ કરે છે ? શું તંત્ર નેતાઓના દબાણમાં છે? આવી ચર્ચાઓ પાદરામાં જોર પકડતી જોવા મળે છે. વહીવટી સ્તરે અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે સરકારની જમીન પર કોઈપણ પ્રકારનું દબાણ સહન કરાશે નહીં અને આવનારા સમયમાં પણ સતત કાર્યવાહી કરવામાં આવશે.
જાણ થતાં જ કાર્યવાહી કરાઇ
પાદરા નગર પાલિકાને પુનઃ દબાણ ખડકી દેવાયાની જાણ થતા આજે પુનઃ દબાણ દુર કરેલ છે. સરકારી જમીનને પ્રોટેક્શન કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. ફેન્સીંગનું આયોજન કરેલ છે. મામલતદાર અને પાલિકા સંયુક્ત પણે કામગીરી કરેલ છે. કોઈ અધિકારી કે નેતા દ્વારા દબાણ કરવાનું જણાવેલ નથી. લોકો ખોટી અફ્વા ફેલાવે છે. - ધર્મેશ ભટ્ટ - પાદરા ન.પાલિકા કર્મચારી
કોન્ટ્રાક્ટ રદ, તળાવ નહી બને
પાદરાના મામલતદાર પાસે ગયા ત્યારે વેન્ડિંગ કમિટીની નિયુક્ત જગ્યા મુજબ કોઈને અડચણરૂપ ના થાય તે રીતે ધંધો કરવા જણાવ્યું છે. મામલતદારે લેખિતમાં સૂચના આપેલ છે. સ્થાનિક કોર્પોરેટર અને અધિકારી અમોને કહે છે કે અડચણરૂપ ના થાય તે રીતે ધંધો કરો, લાખોના ખર્ચે ટ્રાફ્કિ ના થાય તે માટે પાટિયા માર્યા છે. તેમ છતાં લોકો તેની બહાર લારી ગોઠવીને ધંધો કરે છે. કોન્ટ્રાક્ટ રદ થઇ ગયું છે તળાવ બનવાનું નથી. -અમજદ ગરાસીયા - વેન્ડિંગ સમિતિ સભ્ય