બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલા સામે વિરોધ ઊભો થયો છે. ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદનમાં કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. આ મુદ્દે કાંકરેજના શિહોરી દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે ખેડૂતોની એક બેઠક મળી હતી અને ત્યાર બાદ ખેડૂતોએ રેલી સ્વરૂપે સિહોરી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે. જો પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કુચ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.


[[$googlead]]

જમીનના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા

કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલા એક્સપ્રેસ હાઈવેને લઈ બનાસકાંઠા જિલ્લામાં ભારત માલા હાઇવેની કામગીરીની શરૂઆત થઈ છે. ભારત માલા એક્સપ્રેસ હાઇવે બનાવવા માટે હાલ જમીન સંપાદન થઈ રહ્યું છે જેમાં જે ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત થઈ રહી છે તે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે માત્ર રૂપિયા 20 થી 22 મળી રહ્યા છે જ્યારે બિલ્ડરો અને વેપારીઓની એનએ કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરએ 4000 થી 4500 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જેને લઇ ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે

[[$alsoread]]

 ખેડૂતો શિહોરી દુગાવાડા હનુમાન મંદિર ખાતે એકત્રિત થયા

જોકે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાંકરેજ વિસ્તારના ખેડૂતો આજે શિહોરી દુગાવાડા હનુમાન મંદિર ખાતે એકત્રિત થયા હતા. દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનું આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તે બાદ રેલી સ્વરૂપે દુગાવાડા હનુમાનજી મંદિરથી શિહોરી મામલતદાર કચેરી ત્રણ કિલોમીટર સુધીની રેલી યોજી સિહોરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ છે

પૂરતો બજારભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ

 ભારત માલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થતી જમીનનો પૂરતો બજારભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે. જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ જિલ્લા મથક પાલનપુર થી લઈ ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે...


  • Follow us on: