બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનણ કરનારા ભૂમાફિયાઓ સામે પાલનપુરની સેશન્સ કોર્ટે એક અત્યંત કડક અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે 10 માસ અગાઉ રેતી ખનન મામલે ઝડપાયેલું મશીન રાજ્યસાત કરવા અને તેના માલિકનું નામ પોલીસ ફરિયાદ (FIR) માં ઉમેરવાનો સખ્ત હુકમ કર્યો છે.


પાલનપુર સેશન્સ કોર્ટની ભૂમાફિયા સામે કાર્યવાહી

આ મામલો 10 મહિના પહેલાનો છે, જ્યારે ભૂસ્તર વિભાગની ટીમે ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ પર દરોડો પાડ્યો હતો. ટીમે ઘટનાસ્થળેથી મશીન સહિત ડમ્પર જપ્ત કર્યા હતા અને ભૂમાફિયાને કુલ રૂ. 4.45 કરોડનો દંડ ફટકાર્યો હતો. જોકે, દંડ ન ભરવા માટે આરોપીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન જજ અમિતભાઈ કાનાણીએ આરોપીની અરજી રદ કરી હતી અને ગેરકાયદેસર ખનનથી થતી ગંભીર અસરોનો ઉલ્લેખ કર્યો હતો. જજે નોંધ્યું હતું કે ગેરકાયદેસર રેતી ખનનથી નદીના વહેણમાં અવરોધ અને પર્યાવરણને નુકસાન થાય છે.

મશીનના માલિકનું નામ FIRમાં ઉમેરવા કોર્ટનો હુકમ

આ ગંભીરતાને ધ્યાનમાં લઈને કોર્ટે નીચે મુજબના બે મુખ્ય હુકમ કર્યા.ગેરકાયદેસર ખનણ માટે ઉપયોગમાં લેવાયેલું મશીન તાત્કાલિક અસરથી રાજ્યસાત (સરકાર હસ્તક) કરી લેવું. મશીનના માલિક નારણ ખીમજીભાઈ વણઝારાનું નામ FIR માં આરોપી તરીકે ઉમેરવું. આ સાથે FIR માં કલમ ૩૭૯ (ચોરી) હેઠળ કાર્યવાહી કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો. સેશન્સ કોર્ટના આ કડક અને દાખલારૂપ ચુકાદાને કારણે હવે અન્ય ગેરકાયદેસર ખનણ કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

  • Follow us on: