બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલા સામે વિરોધ ઉભો થયો છે. ભારત માલા એકસપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડયો છે. જિલ્લામાં મથક પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતો એકઠા થયા અને ચડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર કલેકટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે. જો ટુંક સમયમાં જ ખેડૂતોને પોતાની મહામુલી જમીનનું પૂરતું વળતર નહિં મળે તો ગાંધીનગર સુધી કુચ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલા એક્સપ્રેસ હાઈવેને લઈ બનાસકાંઠા જિલ્લામાં થરાદ થી અમદાવાદ વચ્ચે ભારત માલા હાઈવેની કામગીરીની શરૂઆત થઈ છે. ભારત માલા એક્સપ્રેસ હાઈવેને લઈ જમીન સંપાદન થઈ રહ્યું છે. જેમાં જે ખેડૂતોની મહામુલી જમીન સંપાદિત થઈ રહી છે તે જમીનના ખેડૂતોએ પૂરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર એ માત્ર રૂપિયા 20 થી 22 ના ભાવ મળી રહ્યા છે. જ્યારે ખેડૂતની નજીક જ બિલ્ડરો અને વેપારીઓની એનએ કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરએ 4000 થી 4500 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જેને લઈ ખેડૂતોમાં રોષ ભભુકી રહ્યો છે. જોકે સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ વિસ્તારના ખેડૂતો પાલનપુરના ચડોતર ગામ નજીક એકત્રિત થયા. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને તે બાદ રેલી સ્વરૂપ ચડોતરથી પાલનપુર જિલ્લા કલેકટર કચેરી સુધી 4 કિલોમીટર સુધીની રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને ભારત માલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થતી જમીનનું પુરતું બજાર ભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે જો ખેડૂતોને પૂરતું વળતર નહિં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ પાલનપુરથી લઈ ગાંધીનગર સુધી આખા ગુજરાતના ખેડૂતને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જોકે ખેડૂતની રેલી નીકળી જિલ્લા કલેકટરએ રજુઆત કરી ખેડૂતને પૂરતા ભાવ આપવા રજુઆત કરી હતી.










