બનાસકાંઠા જિલ્લા ગ્રામ્યમાં સાર્વત્રિક વરસાદ ચાલુ રહેતા ખેડૂતોમાં ખુશાલી વ્યાપી છે.અને વાવેતર કર્યા બાદ સારો વરસાદ થવાથી ખેતઉપજ સારી થવાની આશા બંધાઈ છે.તેમજ બનાસકાંઠા જિલ્લામાં નદી નાળા છલકાતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. અને ડેમમાં પાણીનો આવરો યથાવત રહેતા જો આમ જ વરસાદ ચાલુ રહે તો ટૂંક સમયમાં ડેમ છલકાય તેવી સંભાવના છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. બીજી તરફ બનાસ નદી સહીતની નાની મોટી નદીઓમાં પણ પાણીનો આવરો ચાલુ રહેતા તેમજ ગરીરમાળા વિસ્તારમાં આવેલા ધોધના પાણી વહેતા થતા રમણીય વાતાવરણ સર્જાયુ છે.મુમનવાસ નજીક પાણીયારી તથા અજાપુર અને અંબાજી નજીક આવેલા સેબલપાણીમાં કુદરતી રીતે વહેતા ધોધના પણીમાં ન્હાવા માટે રજાની મજા માણવા લોકો ઉમટી પડયા હતા. તેમજ બાલારામ નદી તથા બાજોઠીયા અને હરગંગેશ્વર ખાતે પણ નદીના વહેણમાં આવતા પાણી જોવા તથા શિવમંદિરના દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા હતા. ઈકબાલગઢ નજીક આવેલા વિશ્વેશ્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થતી નદીમાં પાણી બે કાંઠે આવતા આસપાસના ગામમાંથી લોક ઉમટી પડયા હતા. આમ બનાસકાંઠા જિલ્લામાં નદી-નાળાઓમાં પાણીનો પ્રવાહ વધતા લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. સાથે સાથે ખેડૂતોમાં પણ ખુશીનો મોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરી વિસ્તારમાં પાલનપુર ખાતે પાણી ભરાવાની સમસ્યાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.










