પાલનપુર જિલ્લા પંચાયત કચેરીમાં આજે એક મોટી દુર્ઘટના બનતાં બનતાં રહી ગઈ છે. કચેરીના બીજા માળનો એક ભાગ અચાનક ધડાકા સાથે ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અને કચેરીમાં હાજર કર્મચારીઓ તેમજ અરજદારોમાં ભારે હડકંપ મચી ગયો હતો. સદભાગ્યે, મોટી જાનહાનિ ટળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ કચેરીની જર્જરિત હાલત પર ગંભીર સવાલો ઊભા થયા છે.
પાલનપુર જિલ્લા પંચાયતમાં સ્લેબ ધરાશાયી
આ ઘટના કચેરી શરૂ થવાના સમયની આસપાસ જ બની હતી, જેના કારણે જિલ્લા પંચાયત કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો. અચાનક બીજા માળના સ્લેબનો ભાગ ધડાકાભેર તૂટી પડતાં કર્મચારીઓ અને અરજદારો ગભરાઈ ગયા હતા અને જીવ બચાવવા માટે દોડાદોડી કરી મૂકી હતી. કચેરી શરૂ હોવા છતાં સ્લેબ ધરાશાયી થવાના સ્થળે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.જિલ્લા પંચાયતની આ ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. સ્લેબ ધરાશાયી થવાનું મુખ્ય કારણ પણ ઇમારતની નબળી અને જર્જરિત હાલત હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જિલ્લા પંચાયત જેવી મહત્વની સરકારી કચેરીનું બિલ્ડિંગ પણ જોખમી બની ગયું છે.
સ્લેબ ધરાશાયી થતા મોટી જાનહાનિ ટળી
ધડાકા સાથે સ્લેબ ધરાશાયી થતાં જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. કર્મચારીઓ હવે ભયના ઓથાર નીચે કામ કરવા માટે મજબૂર બન્યા છે. એટલું જ નહીં, વિવિધ કામકાજ માટે કચેરીમાં આવતા અરજદારોમાં પણ ડર જોવા મળી રહ્યો છે.કર્મચારીઓએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે આ સમગ્ર કચેરીનું તાત્કાલિક ધોરણે નિરીક્ષણ કરવામાં આવે અને જર્જરિત ભાગોનું સમારકામ અથવા તો સમગ્ર ઇમારતનું નવીનીકરણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.









