ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં વન્ય પ્રાણીઓનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ છે. પાલીતાણાના ગરાજીયા ગામે સીમ વિસ્તારમાં માલઢોર ચરાવી રહેલા એક નિર્દોષ પશુપાલક પર સિંહે અચાનક જીવલેણ હુમલો કરી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સિંહના આ હિંસક હુમલામાં પશુપાલક ગંભીર રીતે ઘાયલ થયા છે.

પશુપાલક પર સિંહે તરાપ મારી

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ગરાજીયા ગામના વતની કાળુભાઇ બોઘાભાઈ પરમાર નામના પશુપાલક રોજની જેમ પોતાના માલઢોર ચરાવવા માટે સીમમાં ગયા હતા. આ દરમિયાન અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા એક સિંહે તેમના પર તરાપ મારી દીધી હતી. સિંહે કાળુભાઈને પંજા મારતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પશુપાલકની ચીસાચીસ અને પશુઓના હોબાળાને પગલે આસપાસથી લોકો દોડી આવતા સિંહ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

ઘાયલ પશુપાલકને હોસ્પિટલમાં ખસેડાયા

લોહીલુહાણ હાલતમાં ઘાયલ કાળુભાઈને તાત્કાલિક અસરથી સારવાર માટે પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. 

ઘટનાના પગલે સ્થાનિકોમાં રોષ 

આ ઘટનાને પગલે ગરાજીયા સહિત આસપાસના ગામના લોકોમાં વન વિભાગ સામે ભારે રોષ વ્યાપી ગયો છે. પાલીતાણા પંથકમાં અવારનવાર માનવ વસ્તી પર થતા વન્ય પ્રાણીઓના હુમલા અટકાવવા અને આ હિંસક સિંહ સહિતના વન્ય પ્રાણીઓને માનવ વસ્તી તેમજ ગામથી દૂર ખસેડવામાં આવે તેવી ઉગ્ર માગ સ્થાનિકો કરી રહ્યા છે. 


આ પણ વાંચો---     Gujarat Latest News Live : સવારે 8 થી 11 વાગ્યા સુધી 10 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ