ગુજરાતમાં આજે વહેલી સવારથી જ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયું છે. રાજ્યના મોટાભાગના ગામોમાં શાંતિપૂર્વક મતદાન યોજાયું છે. જ્યારે ક્યાંક ઉમેદવારના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી છે. મતદાન દરમિયાન મતદારોને પૈસાની વહેંચણી કરવી અને બોગસ મતદાન કરવાના બનાવો પણ સામે આવ્યાં છે. ત્યારે રાજ્યમાં ત્રણ વાગ્યા સુધીમાં કેટલાક જિલ્લાઓમાં મતદાનની સરેરાશ ટકાવારી સામે આવી છે.
રાજ્યમાં ત્રણ વાગ્યા સુધીનું મતદાન
રાજ્યમાં ત્રણ વાગ્યા સુધીમાં છોટાઉદેપુર જિલ્લામાં 55.57, બોટાદ જિલ્લામાં 55, ગીર સોમનાથમાં 42.05, અમરેલી જિલ્લામાં 43.61, આણંદ જિલ્લામાં 41, અરવલ્લી જિલ્લામાં 35, જૂનાગઢ જિલ્લામાં 41.22 અને મહેસાણા જિલ્લામાં સરેરાશ 60.82 ટકા મતદાન નોંધાયું છે. બીજી તરફ રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બપોરે 2 વાગ્યા સુધી સરેરાશ 38 ટકા મતદાન નોંધાયું હતું. સામાન્ય ચૂંટણીમાં 35.12% મતદાન અને પેટાચૂંટણીમાં 42.76% મતદાન નોંધાયું છે. જિલ્લામાં જેતપુર તાલુકામાં સૌથી વધુ 55% મતદાન નોંધાયું છે. ધોરાજી તાલુકામાં સૌથી ઓછું 25% મતદાન નોંધાયું છે.
પાલડિયા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો
છોટા ઉદેપુરમાં પાલડિયા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. રસ્તા, પાણી, વીજળીની સમસ્યાને લઈને બહિષ્કાર કરવામાં આવ્યો છે. સવારે લગભગ 16 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. પાડલીયામાં 1040માંથી 16 મતદારોએ મત આપ્યો હતો. દાહોદના ઝાલોદમાં મોટી હાંડીમાં બબાલ થતાં મતદાન રોકી દેવાયું હતું. પ્રાંત અધિકારીએ મતદાન રોકી દેતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં.