ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ત્યાં છોટા ઉદેપુર જિલ્લામાં પાડલિયા ગામમાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામમાં રોડ, રસ્તા અને વીજળીની સમસ્યાને લઈને ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામમાં 1040 મતદારો છે. આ મતદારો પૈકી અત્યાર સુધીમાં માત્ર 16 મતદારોએ જ મત આપ્યો છે.
આજે સવારે મતદાન શરૂ થયું ત્યારે 16 મત પડ્યા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે છોટા ઉદેપુર જિલ્લાના પાડલિયા ગામના લોકોએ રસ્તા,પાણી,વીજળીની સમસ્યાને લઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. અંબાલા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પાડલીયા ગામના લોકોએ સવારે મત આપ્યા બાદ અચાનક ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. લોકોએ અલગ ગ્રામ પંચાયતની પણ માગ કરી હતી. આ પંચાયતમાં આજે સવારે મતદાન શરૂ થયું ત્યારે 16 મત પડ્યા હતાં. ગામમાં કૂલ 1040 મતદારો છે. ચૂંટણીનો બહિષ્કાર થતાં અધિકારીઓ દોડી ગયા હતાં.
છોટાઉદેપુરના બોડેલીમાં મતદારોને લાલચ મુદ્દે ફરિયાદ
બીજી તરફ છોટાઉદેપુરના બોડેલીમાં મતદારોને લાલચ આપવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. સરપંચ પદના ઉમેદવારના પતિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સરપંચ ઉમેદવારના પતિએ મતદારોને રિઝવવા સાડી અને 500 રૂપિયા આપ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ચૂંટણી અધિકારીએ બોડેલીમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.સરપંચ પદના ઉમેદવારના પતિએ જેસીંગપુરા ફળિયામાં સાડી અને પૈસાની લાલચ આપી હતી.









