ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન ક્યાંક બોગસ મતદાન અને ક્યાંક બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હોવાના બનાવો સામે આવ્યાં છે. અંકલેશ્વરમાં પૈસાની વહેંચણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે હવે દાહોદ જિલ્લામાં એક પંચાયતમાં માથાકૂટ થતાં મતદાન બંધ કરી દેવાયું હોવાનો બનાવ સામે આવ્યો છે. ઝાલોદના મોટી હાંડીમાં બબાલ થતાં મતદાન રોકી દેવાયું હતું.

પ્રાંત અધિકારીએ મતદાન બંધ કરાવ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામમાં બબાલ થઈ હતી. આ દરમિયાન ચૂંટણી પ્રક્રીયાના સરપંચના બેલેટ-43 અને વોર્ડ સભ્યના 43 બેલેટ ગુમ થતા ઝાલોદ પ્રાંત અધિકારીએ મતદાન પ્રક્રીયા બંધ કરાવી હતી. ધામણખોબરા પ્રાથમિક શાળાના બુથ પર બબાલ થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને દાહોદ જીલ્લા પોલીસ વડા ,DYSP ,PI ,LCB , ઝાલોદ SDM, ઝોનલ અધિકારી સહીતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.

મતદારો મત આપવા માટે લાઈનમાં લાગ્યા હતાં

મોટી હાંડીમાં સવારથી જ મત આપવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બબાલ થયા બાદ પ્રાંત અધિકારીએ મતદાન બંધ કરાવી દીધું હતું. મતદાન બંધ થયું હોવા છતાં મતદારો મત આપવા માટે લાઈનમાં લાગ્યા હતાં. હવે અધિકારીઓ સમગ્ર મામલાને થાળે પાડે ત્યાર બાદ મતદાન ફરી શરૂ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.